Western Times News

Gujarati News

ઓઢવમાં લુંટારૂઓએ ચપ્પાના ઘા મારતા આધેડ ગંભીર

રાત્રિના સમયે બાઈક પર આવેલા લુંટારુઓએ  એક્ટિવા  ચાલકને અટકાવી ચપ્પાના ઘા મારતાં નાગરિકોમાં ફફડાટ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટની ઘટનાઓ વચ્ચે હવે લુંટારુઓ હિંસક બનવા લાગ્યા છે જેના પરિણામે નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં રાત્રિના સમયે એક્ટિવા  લઈ પસાર થઈ રહેલા એક આધેડને લુંટારુઓએ આંતરી તેની એક્ટિવા લુંટી ચપ્પાના ઘા મારતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા છે. જાકે એકત્ર થઈ ગયેલા નાગરિકોએ પીછો કરતા લુંટારુઓ એક્ટિવા મુકીને ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારોમાં તસ્કરો અને લુંટારુઓ આંતક મચાવી રહયા છે રોજ શહેરના આવા વિસ્તારોમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરના ઓઢવ વિસ્તારમાં હરેક્રિષ્ના સોસાયટીમાં રહેતા શંકરલાલ પટેલના મોટાભાઈ મોઘારામ પટેલ ઓઢવ સીગરવા રોડ પર લેબર કોન્ટ્રાકટરનું કામ કરી રહયા છે. મોઘારામ ઓઢવ વિસ્તારમાં જ આદિનાથ નગર પાસે આવેલી ગોકુલનગર સોસાયટીમાં રહે છે.

ગઈકાલે નિત્યક્રમ મુજબ રાત્રે તેઓ ઘરે પરત ફરી રહયા હતા ત્યારે આ દરમિયાનમાં થોડેક જ દુર બાઈક પર ત્રણ શખ્સો તેમની નજીક આવ્યા હતા. મોઘારામ કશું સમજે તે પહેલા જ બાઈક પર આવેલા શખ્સોએ તેમનુ એક્ટિવા અટકાવ્યુ હતું અને તેમના પર હુમલો કરી તેમનું એક્ટિવા લુંટી લીધુ હતું પરંતુ મોઘારામે એક્ટિવા પકડી રાખતા એક લુંટારુએ મોઘારામના પેટ પર ચપ્પાનો ઘા મારી દીધો હતો જેના પરિણામે તેઓ લોહી લુહાણ થઈ જતાં ઢળી પડયા હતાં.

આ દરમિયાનમાં જ બુમાબુમ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં અને સ્થળ પરનું દ્રશ્ય જાતા તેઓ ચોંકી ઉઠયા અને ભાગી રહેલા લુંટારુઓનો પીછો કરતા લુંટારુઓ પણ લુંટેલી એક્ટિવા મુકીને ભાગી છુટયા હતાં બીજી બાજુ મોઘારામે તાત્કાલિક તેમના ભાઈ શંકરલાલને ફોન કર્યો હતો

ઘટનાની જાણ થતાં જ શંકરલાલ પણ ત્યાં પહોંચી ગયા હતાં બીજીબાજુ એકત્ર થયેલા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતાં. લુંટારુઓએ ચપ્પાના ઘા મારતા ગંભીર હાલતમાં ઢળી પડેલા મોંઘારામને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યા હતા અને સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ પણ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હિંસક બનેલા લુંટારુઓથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. ઓઢવ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.