Western Times News

Gujarati News

જવેલર્સોના શો રૂમમાંથી ચોરી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન: આરોપીઓએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ચોરી કરી હોવાની કબુલાત

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જવેલર્સના શો રૂમમાં નજર ચુકવીને સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય બની છે જેના પગલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ એલર્ટ બની ગયા હતા અને ચોરી અને લુંટફાટ કરતી ટોળકીઓને ઝડપી લેવા માટે ખાસ ટીમો બનાવી હતી જેમાં જવેલર્સોના શો રૂમમાંથી ચોરી કરતા ભાઈ-બહેનને ઝડપી લેતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓએ કેટલાક ગુનાઓની કબુલાત કરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર સહિત જુદા જુદા રાજયોમાં જવેલર્સોની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ હાજર કર્મચારી તથા વહેપારીને દાગીનાઓ બતાવવાનું કહી તેઓને વાતચીતમાં વ્યસ્ત રાખી યુવક અને યુવતિ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતા હોવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

આ ઉપરાંત ચોરી અને લુંટફાટની ઘટનાઓમાં પણ વધારો થતાં અમદાવાદ ક્રાઈમબ્રાંચના ખાસ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે (Ajay Tomar Crime branch Ahmedabad, Gujarat) તથા ક્રાઈમબ્રાંચના અન્ય પોલીસ અધિકારીઓએ ચોરી અને લુંટફાટ કરતી ગેંગોને ઝડપી લેવા માટે સુચનાઓ આપી હતી.

ઉચ્ચ અધિકારીઓની સુચના બાદ ક્રાઈમબ્રાંચની ખાસ ટીમો સક્રિય બની હતી આ દરમિયાનમાં ક્રાઈમબ્રાંચના અધિકારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને ઝડપી લેવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ રાજસ્થાનના અજમેરમાં રહેતી (Ajmer, Rajasthan resident woman Punam aka Purni, Kamlesh Rangwani, Chandrakant aka Munna Vinodbhai parmar) મહિલા પુનમ ઉર્ફે પુરણી, કમલેશ રંગવાણી તથા ચંદ્રકાંત ઉર્ફે મુન્ના વિનોદભાઈ પરમાર છેલ્લા ઘણા સમયથી જવેલર્સોના શો રૂમમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી રહયા છે.  પ્રાથમિક તપાસમાં આરોપી ચંદ્રકાંત અમદાવાદ શહેરના જ નરોડા વિસ્તારમાં (Shilp Shrushti Flat, Naroda, Ahmedabad) મહાકાળી પેટ્રોલપંપ પાસે આવેલા શિલ્પ સૃષ્ટિ ફલેટમાં રહેતો હોવાની માહિતી મળી હતી.

ક્રાઈમબ્રાંચની ટીમ છેલ્લા કેટલાક દિવસથી આ ભાઈ બહેનને શોધવા માટે ખાસ વોચ ગોઠવી હતી અને તેમાં બંને જણાં આબાદ ઝડપાઈ ગયા હતાં પ્રાથમિક પુછપરછમાં જ પકડાયેલી મહીલા પુનમ અને ચંદ્રકાંત બંને ભાઈ બહેન થાય છે અને પોતે જ અગાઉ અમદાવાદ શહેર તથા રાજયના અન્ય શહેરો ઉપરાંત અન્ય રાજયોમાં પણ જવેલર્સોની અંદર ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

તેમણે રાજસ્થાનના કોટા શહેરમાંથી છ મહિના પહેલા પુનમના પતિ કમલેશને સાથે રાખી એક જવેલર્સના શો રૂમમાંથી સોનાનો હાર ચોરી કર્યો હતો અને આ હાર અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક સોનીને વેચી દીધો હતો. પુનમે પણ કોટા શહેરમાંથી સોનાની બંગડીઓ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી આ ઉપરાંત બે વર્ષ પહેલા મુંબઈ શહેરમાં તથા કોલકાત્તા શહેરમાં પણ જવેલર્સના શો રૂમમાંથી ચોરીઓ કરી હોવાની કબુલાત કરી છે.

ગુજરાતમાં રાજકોટ તથા અમદાવાદ શહેરના એલીસબ્રીજ તથા સાણંદમાં પણ જવેલર્સોને ત્યાં ચોરી કરી છે આ બંને ભાઈ બહેનની વિરૂધ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે આમ છેલ્લા ઘણા વર્ષોથી જવેલર્સોના શો રૂમમાં ચોરી કરતી ભાઈ-બહેનની જાડીને ઝડપી લેવામાં ક્રાઈમબ્રાંચને સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.