Western Times News

Gujarati News

EPF એકાઉન્ટની વેજ લિમિટ 21 હજાર થશેઃ કર્મચારીઓને ફાયદો થશે

વેતન મર્યાદા વધારીને રૂ. ૨૧,૦૦૦ કરવાથી નિવૃત્તિ પછી મળતા પેન્શન પર પણ અસર પડશે.

(એજન્સી)નવી દિલ્હી, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડને લઈ મોટી અપડેટ સામે આવી છે. જો તમે પણ નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકારી સ્તરે સામાજિક સુરક્ષા કવરેજ વધારવાની તૈયારીઓ ચાલી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ યોજના હેઠળ વેતન મર્યાદા ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૧,૦૦૦ રૂપિયા કરવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ ૨૦૧૪માં કેન્દ્ર દ્વારા આ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૪માં સરકારે પીએફ વેતન મર્યાદા ૬૫૦૦ રૂપિયાથી વધારીને ૧૫૦૦૦ રૂપિયા કરી હતી.

છેલ્લા ઘણા સમયથી ઈપીએફ ની વેતન મર્યાદા વધારવાના પ્રસ્તાવને લઈને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હવે આ પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે. વેતન મર્યાદામાં વધારાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે. મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ વેતન રૂ. ૧૮૦૦૦ થી રૂ. ૨૫૦૦૦ની વચ્ચે છે.

આ પ્રસ્તાવના અમલીકરણની સીધી અસર ઈપીએફ યોજના અને કર્મચારી પેન્શન યોજના માં કરવામાં આવેલા યોગદાનની રકમ પર પણ પડશે. તેની સાથે કર્મચારીને નિવૃત્તિ સમયે મળતા પેન્શન પર પણ અસર પડશે.

હાલમાં કર્મચારી પેન્શન યોજના ખાતામાં યોગદાનની ગણતરી દર મહિને રૂ. ૧૫,૦૦૦ ના મૂળ પગારના આધારે કરવામાં આવે છે. તેના આધારે કર્મચારીના પગારમાંથી ૧૮૦૦ રૂપિયાનો ફાળો કાપવામાં આવે છે. તેના આધારે ઈપીએસ ખાતામાં મહત્તમ યોગદાન દર મહિને ૧,૨૫૦ રૂપિયા સુધી મર્યાદિત છે. વેતન મર્યાદા રૂ. ૨૧,૦૦૦ સુધી વધારવાને કારણે ઈપીએસ પર પણ અસર થશે. આ પછી માસિક ઈપીએસ યોગદાન રૂ. ૧,૭૪૯ (રૂ. ૨૧૦૦૦ નું ૮.૩૩%) થશે.

તમને જણાવી દઈએ કે કર્મચારી દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ યોગદાન ઈપીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ એમ્પ્લોયરના યોગદાનના ૧૨%માંથી ૮.૩૩% એમ્પ્લોયી પેન્શન સ્કીમ માં જમા થાય છે. બાકીના ૩.૬૭% ઈપીએફ ખાતામાં જમા થાય છે. ઈપીએફ યોજના હેઠળ પગાર મર્યાદામાં વધારો થવાને કારણે નિવૃત્તિ સમયે મળતું પેન્શન પણ વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.