Western Times News

Gujarati News

સુરતમાં માસુમ બાળાની હત્યા કરનાર આરોપીની ફાંસીની સજા હાઈકોર્ટે યથાવત રાખી

અમદાવાદ: સુરતમાં લીંબાયત વિસ્તારની (Limbayat, surat) માત્ર ત્રણ વર્ષ અને સાત મહિનાની બાળકી પર દુષ્કર્મ ગુજારી ત્યારબાદ તેની કરપીણ હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે નરાધમ આરોપી અનિલ યાદવની ફાંસીની સજા યથાવત્‌ રાખતો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. હાઇકોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપી અનિલ યાદવને ફાંસીની સજાનો હુકમ બહાલ કર્યો હતો.

અગાઉ આ ચકચારભર્યા કેસમાં સુરતના એડિશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ આરોપી અનિલ યાદવને (Anil Yadav) તા.૩૧-૭-૨૦૧૯ના રોજ ફાંસીની સજા ફટકારતો ઐેતિહાસિક ચુકાદો આપ્યો હતો. રેપ વીથ મર્ડર કેસમાં ફાંસીની સજાનો સુરતનો આ સૌપ્રથમ કેસ હોઇ બહુ મહત્વનો હતો.હાઇકોર્ટે પણ આ ખૂબ જ જઘન્ય અને અત્યંત ઘૃણાસ્પદ કેસને રેરેસ્ટ ઓફ ધ રેરની વ્યાખ્યામાં ગણી આરોપી અનિલ યાદવને ફાંસીની સજા ફટકારી હતી.


હાઇકોર્ટે પોતાના ચુકાદામાં આરોપીના ગંભીર ગુનાહિત કૃત્યની ભારોભાર ટીકા અને આલોચના કરી હતી અને સમાજમાં આવા આરોપી માટે કોઇ સ્થાન નહી હોવાની ટીકા પણ કરી હતી. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, સુરતના લીંબાયતમાં રહેતો ૨૬ વર્ષીય આરોપી અનિલ યાદવ પોતાના ઘરની પાડોશમાં જ રહેતી સાડા ત્રણ વર્ષીય બાળકીને તા.૧૫-૧૦-૨૦૧૮ના રોજ પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી.

બાદમાં આરોપીએ માસૂમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફુટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના ૨૯૦ દિવસ બાદ તા.૩૧ જુલાઈ,૨૦૧૯ના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

ફાંસની સજાનો આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં કન્ફર્મેશન માટે આવ્યો હતો. બીજીબાજુ, અનિલ યાદવ તરફથી પણ નીચલી કોર્ટના ફાંસીની સજાના હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ દાખલ કરાઇ હતી. જા કે, હાઇકોર્ટે સમગ્ર કેસની ચોંકાવનારી અને સંવેદનશીલ હકીકતો ધ્યાનમાં લીધા બાદ માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યાના કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. હાઇકોર્ટે આરોપી અનિલ યાદવની અપીલ ફગાવી હતી અને કન્ફર્મેશન કેસમાં આરોપીની ફાંસીની સજા યથાવત્‌ રાખતો બહુ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.