Western Times News

Gujarati News

લવારિયા ગામેથી કરુણા અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

પશુમાં કૃમિ નિવારણ બાહ્ય પરોપજીવ નિવારણ માટે રસીકરણ અભિયાનનો પણ પ્રારંભ, દાહોદ નગરમાં ગત ઉત્તરાયણે ૫૦થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર

મુક્ત ગગનમાં વિહરતા પક્ષીઓને પતંગથી દોરથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કરુણા અભિયાનનો દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયાના લવારિયા ગામથી રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે પ્રારંભ કરાવ્યો હતો. સાથે, તેમણે પશુમાં કૃમિ નિવારણ બાહ્ય પરોપજીવ નિવારણ માટે રસીકરણ અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

બાદમાં યોજાયેલી પશુપાલન શિક્ષણ શિબિરમાં સહભાગી બનેલા રાજ્ય મંત્રી શ્રી ખાબડે પશુપાલકોને સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ઉત્તરાયણ પર્વમાં ચાલાવવામાં આવતા કરુણા અભિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમનો પરિચય આપે છે. આ પર્વ દરમિયાન આપણે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પતંગ ઉડાવવી જોઇએ નહી. સિન્થેટિક, નાયલોન દોરીનો ઉ૫યોગ કરવો જોઇએ નહી.

પશુપાલકોને શીખ આપતા શ્રી ખાબડે ઉમેર્યું કે, આવક માટે હવે માત્ર ખેતી પર આધાર રાખવા કરતા તેની સાથે પશુપાલન પણ પુરક રોજગારીનું મોટું માધ્યમ બની શકે અમે છે અને તે જ આજના સમયની માંગ છે. આપણે દૂધાળા પશુઓનું લાલનપાલન તો કરીએ છીએ, પણ તેમાં વ્યવસાયિક અભિગમ અપનાવતા નથી. આપણા પશુઓની ઓલાદ સારી નથી હોતી.

તેમણે ઉક્ત બાબતમાં વધુમાં કહ્યું કે, પશુ માંદુ હોય તો તેની સારવાર કરાવતા નથી. હવે, રાજ્ય સરકાર દ્વારા  પશુઓના આરોગ્ય માટે પ્રતિ ૧૫ ગામ દીઠ એક એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. ૧૯૬૨ નંબર ઉપર માત્ર એક ફોન કરવાથી પશુ રોગ તજજ્ઞ માંદા પશુની સારવાર કરવા માટે આવી જાય છે. તેનો પશુપાલકોએ લાભ લેવો જોઇએ. પહેલા પશુઓમાં ૬૪ પ્રકારના રોગો થતાં હતા. પણ, રાજ્ય સરકારની સતત તકેદારીના કારણે હવે માત્ર ૧૯ પ્રકારના જ રોગો પશુઓમાં જોવા મળે છે.

રાજ્ય સરકાર દ્વારા સારી ઓલાદના દૂધાળા પશુ ખરીદવા માટે લોનસહાય આપવામાં આવે છે. કેટલ શેડ, ચાપ કટર જેવી યોજના છે. તેનો પશુપાલકોએ લાભ લેવો જોઇએ. તેમણે દીકરી બચાવો, કુપોષણ નાબૂદી, વૃદ્ધ પેન્શન યોજના, પાણીની વિવિધ યોજનાની માહિતી આપતા કહ્યું કે, ગ્રામ વિકાસ માટેની કોઇ કડી ખૂટતી હોય તો તે પણ પૂર્ણ કરવા રાજ્ય સરકાર તૈયાર છે.

આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.મહાનુભાવોના હસ્તે સહકારી મંડળીઓને દૂધ ઘર બનાવવાની મંજૂરી સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમંત્રીશ્રીએ કરુણા અભિયાન અંતર્ગત છાત્રોની રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ પશુ સારવાર કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું અને રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. દાહોદ નગરમાં ગત્ત ઉત્તરાયણ પર્વમાં ૫૦થી વધુ પક્ષીઓને આ અભિયાન અંતર્ગત સારવાર આપવામાં આવી હતી. આ વખતે પણ પશુ પાલન વિભાગ અને વન વિભાગ દ્વારા જિલ્લામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

પશુ સારવાર કેમ્પમાં લંગડાતા ચાલતા પશુઓના ઓપરેશન, પશુઓને થતાં ઝાડા, શરદી જેવા રોગોની દવા આપવામાં આવી હતી. ૧૭૫થી વધુ પશુ પાલકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ વેળાએ પદાધિકારીઓ સર્વ શ્રી જુવાનસિંગ, સરદારભાઇ, મુકેશભાઇ, મનુભાઇ, ભરતભાઇ ભરવાડ, ટીટાભાઇ, રમણભાઇ ચૌહાણ, નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમાર, પ્રાંત અધિકારી શ્રી સુથાર, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઇ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.