Western Times News

Gujarati News

“છેલ્લા બે દાયકામાં ગુજરાતે કૃષિ, ઉધોગ અને સેવા સહિત તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસ કર્યો છે”

પાલનપુર:  બનાસકાંઠા જિલ્‍લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ આઝાદી સંગ્રામમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂ. મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્‍લભભાઇ પટેલ સહિત રાષ્‍ટ્રસપૂતો અને વીર શહીદોને ભાવપૂર્વક શ્રધ્‍ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્‍ટ્ર આજે પૂ. બાપુની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે

ત્યારે બાપુના શબ્દોમાં રાજયની નીતિઓ સમાજના છેવાડે વસતા ગરીબ અને નબળા વર્ગના લોકોના વિકાસમાં સહાયરૂપ બને એ જ સાચુ સુશાસન છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૯૪૭ની ૨૬ મી સપ્‍ટેમ્બરે પૂ. બાપુએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શોખોને ત્યાં ન રહેવું હોય તો તે દરેક ભારત આવી શકે છે. આવી સ્થિતિમાં એમને રોજગાર આપવો અને એમનો જીવનનિર્વાહ કરવો ભારતનું કર્તવ્ય છે. વિવિધ ધર્મના લોકો અને જાતિઓથી બનેલા આપણા ભાતીગળ ભારતની આગવી ઓળખ છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે શક્તિશાળી રાષ્‍ટ્રના નિર્માણ માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે.

તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન વિધેયકથી ભાતીગળ ભારતની પરિભાષા વધુ સમૃધ્ધ બની છે. આ કાયદાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વસતા લઘુમતી હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખ, બૌધ્ધ, પારસી, જૈન લોકોને નાગરિકતા મળશે. ગુજરાત વિધાનસભામાં પણ આ કાયદાને સર્વાનુમતે સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલના સ્વપ્‍નને સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કરી કાશ્મીરથી કન્યાકુમારી સુધી અખંડ રાષ્‍ટ્રનું નિર્માણ કર્યુ છે. તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયા ર્ડા.બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સમિતિના તમામ પ્રબુધ્ધોને યાદ કરી તા. ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાંખેલા પાયા પર આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બનીને ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાને નવી ઉંચાઇએ લઇ જવા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતના પ્રત્યેક વ્યક્તિને પ્રતિતિ થઇ રહી છે કે સરકાર એમની પડખે છે. રાજયના ખેડૂતો, યુવાનો, વંચિતો, વનબંધુઓ, બહેનો, માતાઓ, દિકરીઓ સૌ કોઇના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે આ સરકારે દ્રઢતાપૂર્વક સંવેદનશીલ નિર્ણયો લઇને પ્રગતિશીલતાનો પથ કંડાર્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કમોસમી વરસાદના સમયે ખેડૂતોની હામી બની આ સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.૩,૭૯૫ કરોડનું કૃષિ સહાય પેકેજ આપ્‍યું છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે રૂ. ૮,૫૦૦ કરોડથી વધુ રકમની ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદી છે. તેમણે કહ્યું કે સુજલામ સુફલામ યોજના દ્વારા પીવાના પાણી અને સિંચાઇના પાણીની તકલીફને દૂર કરી એના કાયમી ઉકેલ માટે લાંબાગાળાના પગલાં ભર્યા છે. અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી ભાઇઓના ઉત્કર્ષ માટે રૂ. ૫,૦૦૦ કરોડના સિંચાઇ કામો પ્રગતિમાં છે તેમ તેમણે જણાવ્યું હતું.

કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, ખેડુતોની વર્ષ-૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને સાકાર કરવા આ સરકારે પરિણામલક્ષી પગલાં લીધા છે. ગુજરાતના ખેડૂતોને ગયા વર્ષે ૧.૧૧ લાખ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા છે. તેમણે કહ્યું કે, ૧૯૬૦ થી ૨૦૦૧ સુધી ૪૦ વર્ષમાં ૬.૯૪ લાખની સામે છેલ્લા ૧૮ વર્ષમાં ૧૧ લાખથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ આ સરકારે આપ્‍યા છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના જોડી રાજયમાં રૂ. ૧૩૭૩ કરોડના ખર્ચે ૩ કરોડ ૭૦ લાખ ભાઇઓને લાભ આપ્‍યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સાયબર ક્રાઇમને નાથવા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ ઉપરાંત રાજયના ૩૩ જિલ્લા મુખ્ય મથકો, ૬ ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કુલ મળીને ૪૦ સ્થાનો પર સીસીટીવી અધારીત સર્વેલન્સ દ્વારા ગુનેગારો પર ચાંપતી નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે ઇન્ડીયા કરપ્‍શન સર્વે-૨૦૧૯-૨૦ના અહેવાલ મુજબ ગુજરાતમાં સૌથી નીચો કરપ્‍શન રેટ છે. રાજયના નાગરિકોને ૧૮ જેટલા સરકારી દસ્તાવેજો અને ૫૭ થી વધુ સેવાઓ સેવા સેતુના માધ્યમથી ઘર આંગણે મળે છે. જેનો ૧.૫૩ કરોડ નાગરિકોએ લાભ લીધો છે. કૃષિ મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતે કૃષિ, ઉધોગ અને સેવા સહિત તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસ કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુંટુંબોને રૂ. ૨૪૯૨ કરોડના ખર્ચે ૨.૮૧ લાખ પરિવારો માટે આવાસ મંજુર કરવામાં આવ્યા છે અને શહેરી વિસ્તારોમાં ૫.૬૮ લાખથી વધુ આવાસો બનાવાશે. તેમણે કહ્યું કે, સરકારી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીને મળે તે માટે ૧૫૩૦ જેટલાં ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરી ૧.૫ કરોડથી વધુ લાભાર્થીઓને રૂ. ૨૬ હજાર કરોડની માતબર રકમની સાધન સહાયનો લાભ આપ્‍યો છે.

મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લામાં થયેલ પ્રગતિ અંગે વાત કરતા જણાવ્યું કે,    બનાસકાંઠા જિલ્‍લામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિક્રમજનક પ્રગતિ થઇ છે. જિલ્‍લાના ૪.૫૦ લાખ પશુપાલકો દૈનિક ૭૦ લાખ લીટર જેટલુ મબલખ દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે તેમજ દૂધના માસિક પેમેન્ટ તરીકે બનાસ ડેરી દ્વારા રૂ. ૬૦૦ કરોડની ચુકવણી પશુપાલકોને કરવામાં આવે છે. દૂધ સંપાદનમાં બનાસ ડેરી ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર એશિયામાં પ્રથમ સ્‍થાને છે. તેમણે કહ્યું કે ટપક અને ફુવારા પધ્‍ધતિ અપનાવવામાં બનાસકાંઠા જિલ્‍લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્‍થાને છે.

પીએમ કિસાન સમ્‍માન નિધિ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્‍લામાં ૪,૧૯,૯૦૯ ખેડુત કુંટુંબોને લાભ આપવામાં આવ્યો છે. જે ગુજરાત સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમે છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠામાં ૨૦૦૮માં ૫૦ કોલ્‍ડ સ્‍ટોરેજની સામે વર્ષ ૨૦૧૯ સુધીમાં જિલ્‍લામાં કુલ ૨૦૦ જેટલા કોલ્‍ડ સ્‍ટોરેજની માળખાકીય સુવિધાઓ ઉભી થઇ છે. બટાટા, રાઇ, બાજરી, મગફળીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે તેમજ દાડમ, જીરૂ અને દિવેલામાં સમગ્ર રાજયમાં બીજા સ્થાને છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં બનાસકાંઠા જિલ્‍લામાં રણતીડ આવ્યા ત્યારે સરકારશ્રી દ્વારા યુધ્‍ધના ધોરણે કામગીરી હાથ ધરી રણતીડનો સફાયો કરવામાં આવ્‍યો હતો. રણતીડથી ખેતીપાકોને થયેલ નુકશાન માટે ૧૧,૧૬૬ અસરગ્રસ્ત ખેડુતોને ૧૩,૭૬૩ હેકટર વિસ્તારમાં રૂ.૧૮,૫૦૦/- લેખે હેક્ટર દીઠ વધુમાં વધુ ૨ હેક્ટર માટે કુલ રૂ. ૨૫.૪૬ કરોડની સહાય ચુકવવામાં આવશે. મંત્રીશ્રીએ કહ્યું કે, ઉધોગ, ઉર્જા, શિક્ષણ, રોજગાર, આરોગ્ય વગેરે પાયાના ક્ષેત્રોમાં ગુજરાત આજે સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યું છે જે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે.

આ પ્રસંગે વિવિધ કચેરીઓ દ્વારા સરકારશ્રીની કલ્‍યાણકારી યોજનાઓ અને વિકાસ અંગે આકર્ષક ટેબ્‍લો રજુ કરવામાં આવ્‍યા હતા. મંત્રીશ્રીના હસ્તે રૂ. ૨૫ લાખના ૬ જેટલાં વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશિષ્‍ટ સિધ્ધિઓ પ્રાપ્‍ત કરનાર વ્યક્તિઓનું મંત્રીશ્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. જિલ્લાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉજવણી પ્રસંગે દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઇ ગયું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા મંત્રીશ્રીએ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.