Western Times News

Gujarati News

હવે ડ્રોન ટેકનોલોજીની મદદથી ખાતર અને જંતુનાશક દવાના સ્પ્રે થશે

જી.સી.એસ.આર.ઓથોરીટી દ્વારા ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના પ્રાયોગીક નિદર્શનનો રાજ્યમાં બીજો પ્રયોગ ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતોની આવકમાં વધારો કરવાનો સરકારનો અભિગમ

(માહિતી)લુણાવાડા, રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી સમય અને શ્રમનો ઘટાડો કરવાના નવતર અભિગમના ભાગરૂપે મહીસાગર જિલ્લાના પસંદગી પામેલ વિરપુર તાલુકાના ગામ આસપુર લાટ ખાતે ગુજરાત સીએસઆર ઓથોરીટી ધ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી ખાતર અને જંતુનાશક દવાના સ્પ્રે માટે પ્રાયોગિક નિદર્શન જિલ્લા કલેક્ટર આર.બી.બારડની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

નવતર ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માહિતગાર કરતા જિલ્લા કલેક્ટરએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાયોગીક નિદર્શનમાં મહીસાગર જિલ્લાની પંસદગી થવા બદલ જીસીએસઆર ઓથોરીટીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં આધુનિક ખેતીમાં પ્રગતિશીલ તેમજ ઓછા પાણીમાં ટપક સિંચાઇનો ઉપયોગ કરી ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેળવનાર વિરપુર તાલુકાનું આસપુર લાટ ગામને અભિનંદન પાઠવ્યા હતા. તથા ડ્રોન ટેકનોલોજીને સારીરીતે સમજી તેમાં સુધારા વધારા સુચવવા અનુરોધ કર્યો હતો. જેથી જિલ્લાના ખેડૂતો આગામી સમયમાં આ નવતર પ્રયોગનો મહત્તમ લાભ લઇ શકે.

આ પ્રસંગે ગુજરાત સી.એસ.આર.ઓથોરીટીના મુખ્ય અધિકારી પંકજ કામલીયાએ ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવા છંટકાવના આ પ્રાયોગીક નિદર્શન વિશે ખેડૂતોને સંબોધતા અગાઉ આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ ઇડર તાલુકામાં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહીસાગર જિલ્લામાં આ બીજો પ્રયોગ છે. આ પ્રયોગમાં ખેડૂતોના સુચનો પછી તેમાં વધુ સુધારા વધારા સાથે મુકવાનો જી.સી.એસ.આર.ઓથોરીટીનો અભિગમ છે. ડ્રોનના ટેકનીશીયને તેના વિશે માહિતી આપતા ડ્રોનની મદદથી જમીનની માપણી પણ કરી શકાય છે તેમજ જંતુનાશક દવાના છંટકાવમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે ખુબ સારી રીતે ખેતીમાં રોગ અને જીવાતને કંટ્રોલ કરી શકાય છે.

કાર્યક્રમ બાદ આસપુર લાટ ગામના ખેડૂત આશિષભાઇ પટેલના ખેતરમાં પપૈયાની ખેતીમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવા છંટકાવનું જીવંત નિદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક એમ.કે.કુરેશી, મહીસાગર પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.આઇ.પઠાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.જે.પટેલ, કૃષિ વૈજ્ઞાનીકો, પ્રગતિશીલ ખેડૂતો ઉપરાંત નવીન ટેકનોલોજી નીહાળવા આવેલા મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.