Western Times News

Gujarati News

વુહાનથી 324 ભારતીયો દિલ્હી પહોંચ્યાઃ હજુ ફસાયેલાં લોકોને લેવા વિમાન રવાના

નવી દિલ્હી, કોરોના વાયરસના કહેરથી ચીનમાં હાહાકાર મચ્યો છે. કોરોનાને લીધે ચીનમાં 259 લોકોના મોત થયાં છે અને 11,791 લોકો અસરગ્રસ્ત છે. અહીં રહેતા બીજા દેશના નાગરિકો શહેર છોડીને પોતાના દેશ પરત જઈ રહ્યાં છે ત્યારે ભારતે પણ પોતાના નાગરિકોની સુરક્ષાને જોતા તેમને એરલિફ્ટ કરાવવાનો નિર્ણય કર્યો અને શનિવારે સવારે 7.26 કલાકે એર ઈન્ડિયાનું ખાસ વિમાન બોઈંગ 747 દ્વારા વુહાનથી 324 ભારતીયોને પરત લાવીને દિલ્હી પહોચ્યો છે.
વુહાનથી 324 ભારતીય નાગરીકોને ભારત પરત લાવવામાં આવ્યા છે તેમાં 211 વિદ્યાર્થીઓ, 110 વ્યવસાયીઓ અને ત્રણ સગીરોને લઈને એર ઈન્ડિયાનું ખાસ વિમાન સવારે દિલ્હી ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું. જ્યારે હજુ ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા વિમાન રવાના કરાયું છે. ચીનથી આવેલા ભારતીય નાગરિકોને દિલ્હીમાં ભારત-તિબ્બત સીમા પોલીસ, છાવલા શિબિર અને હરિયાણાના માનેસરમાં ભારતીય સેના શિબિરમાં 14 દિવસ માટે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.
ITBPએ જણાવ્યું કે, 324 ભારતીયોમાંથી 103ને એરપોર્ટથી છાવલા કેંપ, દિલ્હીમાં મેડિકલ ઓબ્ઝર્વેશન માટે મોકલવામાં આવ્યા છે. ચીનના અધિકારીઓના સ્ક્રીનિંગ દરમિયાન ઉચ્ચ તાપમાનની સુચના બાદ 6 ભારતીયોને આવવા દેવાયા નથી. એક મુસાફરે જણાવ્યું કે, ઉચ્ચ તાપમાનના લીધે તેમને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પર પણ એક સ્ક્રિનિંગ કેમ્પ બનાવવામાં આવ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.