Western Times News

Gujarati News

સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે યુવાનોની સત્સંગ સભા યોજાઈ

માણસે હું કયાં છું ? કયાં જવું છે ? તે નિત્ય વિચારવું જોઈએ – સાધુ પ્રેમત્સલદાસજી

તા. ૦૭-૦ર-ર૦ર૦ ને શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી યુવાનો ની રાત્રે ૯ – ૦૦ વાગ્યાથી સત્સંગ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સમૂહ પ્રાર્થના,ધૂન, અને ધ્યેયગીત ગાવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવા માટે દરેક વ્યકિતએ પોતાની જાતને નિત્ય ચાર પ્રશ્નો પૂછવા જોઈએ.

હું કોણ છું ? કયાં છું ? શા માટે આવ્યો છું ? કયાં જવું છે ? આપણે આ ચાર પ્રશ્નોના જવાબ વિચારીશું ને, તો આપણા જીવનનો ધ્યેય શું છે તે આપણને ખ્યાલ આવશે. અને આપણે આપણા ધ્યેયને વળગી રહીશું તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકીશું.

માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં કયાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ. વાકયમાં પૂર્ણવિરામ ના આવે તો એ વાકય કેવું લાગશે ? રેલ્વેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ના આવે તો, તે મુસાફરી સુખદાયી ના થાય. તેમ જીવનમાં પણ વસ્તુઓનો સંગ્રહ, પંચવિષયના ભોગ, વ્યસનો એ બધામાંથી પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ.

જીવનમાં ઘણા દુઃખી હોય છે, દુઃખને ભૂલવા માટે રાત્રે ઉંઘની ગોળી લે છે, છંતાય તેમને ઉંઘ આવતી નથી. અરે દુઃખથી મુકત થવા માટે ગોળી લેવાની જરુર નથી. ભગવાનનું ધ્યાન કરવાની જરુર છે. આપણા ઋષિમુનિઓ અને સંતો ધ્યાન કરીને જ શાશ્વત સુખને પામ્યા છે.તેથી આપણને ધ્યાન કરવાનું કહે છે.

ધન, આયુષ્ય, સ્ત્રી, અને ભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ નથી, અને થવાની પણ નથી.તેથી સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને, શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ મનાશે અને તે પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ત્યારે શાશ્વત સુખને પાપ્તિ થશે.

શ્રી હરિવલ્લભદાસજી સ્વામીએ જીવનમાં નિત્ય ભગવાનના દર્શન કરવા જોઈએ, નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનને જેટલું મહત્વ આપીશું એટલા વધુ સુખી થઈશું એ બાબતે યુવાનોને સજાગ કર્યા હતા.

અંતમાં શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે, સવારે ઉઠવાની સાથે જ ભગવાનને યાદ કરવા જોઈએ, સ્નાનાદિક ક્રિયા કર્યા બાદ ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાનની પૂજા કરવાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. નિત્ય તિલક ચાંદલો પણ કરવો જોઈએ. તિલક ચાંદલો કરવાથી આપણે ભગવાનના ભકત છીએ, તેનું અનુંસધાન રહે છે, અને ભગવાનની આજ્ઞા પાળવામાં બળ પ્રાપ્ત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.