Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૬ એપ્રિલથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી ૨૦૨૧નો આરંભ કરાશે

દાહોદ, તા. ૧૪ : દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૬ એપ્રિલથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૧નો આરંભ થશે. આ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતેના સભાખંડમાં વસ્તી ગણતરીમાં જોડાનાર ૬૦ જેટલા ચાર્જ ઓફસીર અને ટેકનીકલ આસીસ્ટન્ટોનો બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ તાલીમાર્થીઓને વસ્તી ગણતરી સદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લામાં વસ્તી ગણતરી કાર્ય બે તબક્કાઓમાં યોજાશે. પ્રથમ તબક્કામાં મકાનો, કુંટુંબોની ઓળખ કરી ક્રમવાર પત્રકમાં નોંધવા સ્થાનિક પરિસ્થિતિ અનુસાર વર્ષ ૨૦૨૦માં યોજાશે. આ ઉપરાંત કુંટુંબમાં ઉપલબ્ધ સુવિધાઓ, માનવ વસાહતોની સ્થિતિ અને મકાનોની અછત વગેરે જેવી ઉપયોગી માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. બીજા તબક્કામાં વસ્તી ગણતરીનું ફિલ્ડ વર્ક વર્ષ ૨૦૨૧ દરમિયાન યોજવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની ગણતરી અને તેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવશે.

જિલ્લામાં અંદાજે ૬૦ જેટલા ચાર્જ ઓફીસર અને ટેકનીકલ આસિસ્ટન્ટ, ઉપરાંત ૬૦૦ સુપરવાઇઝર અને ૩૫૦૦ જેટલા ગણતરીદારો વસ્તિ ગણતરીની કામગીરીમાં જોડાશે.

વસ્તી ગણતરીથી મળતી માહિતી દેશના વિકાસ આયોજન માટે ખૂબ જ અમૂલ્ય હોય કલેક્ટરશ્રીએ તાલિમાર્થીઓને ખૂબ જ ચોકસાઇપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જનહિર્તાર્થે વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે પાયાની માહિતી વસ્તી ગણતરીથી મળે છે. આ ઉપરાંત આવાસન નીતિ નક્કી કરવા, સરકારના વિવિધ વિભાગોને વિકાસ યોજનાઓ બનાવવા માટે અતિ ઉપયોગી માહિતી મળે છે. માટે ગણતરીની કામગીરીમાં ખૂબ જ કાળજી અને ચોકસાઇ રાખવી.

વિવિધ વિકાસ આયોજન માટે આ વસ્તી ગણતરી મહત્વની હોય નાગરિકો પણ આ ભગીરથ કાર્યમાં દેશસેવા સમજીને સહકાર આપે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે જિલ્લા આંકડા અધિકારી શ્રી રાહુલ ગુપ્તા, શ્રી એસ.વી.રાજસખા, શ્રી એમ.કે.મીના અને જિલ્લા નોડલ અધિકારી શ્રી એસ.એન.તડવી ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી વર્ષ ૧૮૭૨માં કરવામાં આવી હતી. જયારે વર્ષ ૧૮૮૧માં આખા દેશમાં એકસાથે વસ્તી ગણતરી યોજવામાં આવી હતી ત્યાર થી સતત દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. વસ્તી ગણતરી વર્ષ ૨૦૨૧ એ આ શ્રેળીમાં સોળમી અને આઝાદી પછીની આઠમી વસ્તી ગણતરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.