Western Times News

Gujarati News

પત્નીની દવા લઇને ઘરે જઈ રહેલા વૃદ્ધનું કારની ટક્કરથી મોત

AI Image

વટવા જીઆઇડીસી પાસે રિંગ રોડ નજીકનો બનાવ

(એજન્સી)અમદાવાદ, શહેરના વટવા જીઆઇડીસી પાસે રિંગ રોડ નજીક રહેતા વૃદ્ધ પત્નીની બ્લડપ્રેશરની દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયા હતા. ત્યાંથી પરત ઘરે જતી વખતે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક કારની ટક્કર વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે વૃદ્ધને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.

આ દરમિયાનમાં તેમનું મોત નિપજતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વટવા જીઆઇડીસી રિંગ રોડ પાસે આવેલા અનમોલ અરાઇઝ ફ્લેટમાં ૬૫ વર્ષીય હરેશભાઇ ત્રિવેદી પત્ની સાથે રહેતા હતા. તેમનો પુત્ર ઉત્કર્ષભાઇ ત્રિવેદી એલિસબ્રિજ વિસ્તારમાં રહે છે. ગત તા.૧૧મીએ ઉત્કર્ષભાઇ ટી-૨૦ ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં ગયા ત્યારે માતાએ ફોન કરીને દવા લેવા નીકળેલા પિતા હરેશભાઇ હજુ ઘરે ન આવ્યા હોવાની જાણ કરી હતી.

આ દરમિયાનમાં હરેશભાઇનો અકસ્માત થયો હોવાની જાણ થતાં ઉત્કર્ષભાઇ એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરોએ હેમરેજની ગંભીર અસર થઇ હોવાનું જણાવ્યું હતું. જે બાદ હરેશભાઇને વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. આ દરમિયાનમાં હરેશભાઇનું મોત નિપજતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હરેશભાઇના પુત્રે સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના પિતા મેડિકલ સ્ટોર પરથી પત્નીની બ્લડપ્રેશરની દવા લઇને નીકળ્યા હતા. જે બાદ તે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક અલ્ટો કારના ચાલકે ટક્કર મારી હોવાનું સામે આવ્યું હતું.

શહેરના જૂના વાડજમાં રહેતા ૮૦ વર્ષીય સાકરબેન દંતાણી વિજયનગર ક્રોસિંગ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી ઇકો કારના ચાલકે તેમને અડફેટે લેતા સાકરબેનને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.