Western Times News

Gujarati News

કણભામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયોઃ ત્રણની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, થોડા દિવસ અગાઉ કણભાના ગ્રામ્ય વિસ્તાર બિલાસીયા ગામની સીમમાં તળાવમાં તરતી હાલતમાં મળી આવેલ એક યુવકની લાશનો ભેદ હાલ ઉકેલાઈ ગયો છે. જે મામલે એક યુવકનો જન્મદિવસ એક રિક્ષાચાલક માટે જીવનનો અંતિમ દિવસ બની ગયો હોવાના હચમચાવતા ખુલાસા થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ એક દોસ્તની જન્મદિવસની દારૂ પાર્ટીમાં બોલાચાલી બાદ ત્રણ મિત્રોએ ભેગા મળીને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જે મામલે પોલીસે હાલ એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

વિગતે વાત કરીએ તો, ગત ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬નો દિવસ જ્યારે અમદાવાદ ગ્રામ્યના કણભામાં આવતા બિલાસીયા ગામની સીમમાં આવેલા તળાવમાંથી એક યુવકની લાશ તરતી હાલતમાં મળી આવી હતી, જે અંગે પોલીસે તપાસ કરતા મૃતકને બોથડ પદાર્થથી માથા અને મોં પર માર મારી હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઈ હતી.

આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા મૃતકનું નામ અરવિંદ કેશાજી રાઠોડ અને તે કઠવાડાના ટેબલીનો રહેવાસી એક રિક્ષાચાલક હોવાનું સામે આવ્યું હતું. જોકે મૃતક રિક્ષા ચાલક હોવા છતાં પોલીસ તપાસમાં તેની રિક્ષા ન મળી, ત્યારે પોલીસે ગાંધીનગરના ત્રિનેત્રમ કંટ્રોલ રૂમથી તપાસ શરૂ કરી, જે બાદ જે માહિતી સામે આવી એ જાણીને પોલીસ પણ હચમચી ઉઠી.

પોલીસ તપાસમાં મૃતક અરવિંદ રાઠોડની રિક્ષા તેમના મૃતદેહ મળ્યાના લોકેશનથી લગભગ ૧૦૦થી ૧૨૦ કિમી દૂર લુણાવાડામાં ટ્રેસ થઈ હતી, ત્યારે પોલીસે લુણાવાડાથી રિક્ષા કબજે કરી અને આ હત્યા કેસમાં પોલીસે મૃતક અરવિંદ રાઠોડના જ મિત્રો ચંદુલાલ પટેલ અને વિપુલ પારગી સહિત એક સગીરની આરોપી તરીકે અટકાયત કરી છે.

આરોપીની તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલા આરોપી ચંદુ પટેલનો જન્મદિવસ હતો. જેથી તેણે પોતાના મિત્રો સાથે બિલાસીયામાં તળાવ કિનારે દારૂ પાર્ટી કરી હતી. જે પાર્ટી કર્યા બાદ ત્રણેય જણા ઘરે જવા માટે રિક્ષા શોધી રહ્યા હતા અને મૃતક અરવિંદભાઈ તેઓના પરિચિત હોવાથી તેને બોલાવી તેની રિક્ષામાં જવાનું નક્કી કર્યું હતું. ઘટના સમયે મૃતક અરવિંદ રાઠોડ તળાવ પાસે પહોંચ્યા, ત્યારે આરોપીઓ નશાની હાલતમાં હોવાથી અરવિંદ સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી.

જે બોલાચાલી વચ્ચે ચંદુ સહિતના આરોપીએ અરવિંદને માથામાં અને મોં પર ઈંટોથી માર મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો અને બાદમાં લાશને તળાવમાં ફેંકી મૃતકની રિક્ષા લઈને પોતાના વતન બાંસવાડા જવા નીકળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.