ઈરાન પાસે પરમાણુ હથિયાર રહેવા દઈશું નહીં -US સંસદમાં ટ્રમ્પનો ખોંખારો
File Photo
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યુ હતું. ટ્રમ્પે આ વક્તવ્ય દરમિયાન ભાવિ નીતિઓ અને રાજનીતિ અંગે વાત કરી હતી. યુએસ સંસદમાં ટ્રમ્પે ખોંખારીને ઈરાનને પાઠ ભણાવવાનું એલાન કર્યું હતું. તેમણે ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં રહેવા દેવાનો હંકાર કર્યાે હતો.
૧૦૮ મિનિટના પ્રવચન દરમિયાન તેમણે ઈરાન સરકારને ૩૨ હજાર પ્રદર્શનકારીઓની હત્યા માટે જવાબદાર ઠેરવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથેનો વિવાદ ઘર્ષણના બદલે વાતચીતથી ઉકેલવાની તેમની ઈચ્છા છે. જો કે આતંકવાદને પોષનારા દેશ પાસે પરમાણુ હથિયાર હોવા જોઈએ નહીં. શાંતિ સ્થાપવા માટે શક્તિ બતાવવી જરૂરી છે.
અમેરિકાના સંરક્ષણ બજેટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે મોટા પાયે સૈનિકોની ભરતી ચાલી રહી હોવાનું કહ્યું હતું. પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતા ટ્રમ્પે કહ્યુ હતું કે, અમેરિકાની આઝાદીને ૨૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને દુનિયામાં કોઈ દેશ અમેરિકા જેવો નથી. અમેરિકા સતત પોતાને બહેતર બનાવી રહ્યું છે અને અમેરિકાનો સ્વર્ણિમ સમય ચાલી રહ્યો છે.
ગેરકાયદે ઘૂસણખોરી પર અંકુશ આવ્યો હોવાનો અને સરહદ પર સ્થિતિ સંપૂર્ણ બદલાઈ હોવાનું ટ્રમ્પે કહ્યુ હતું. ટ્રમ્પના ભાષણનો વિરોધ કરતા ડેમોક્રેટ સાંસદોએ વોકઆઉટ કર્યુ હતું અને તેના જવાબમાં રીપબ્લિકન સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
દેશમાં ગુનાખોરી ઘટી હોવાનો દાવો કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, આખો દેશ બદલાઈ ગયો છે અને અત્યાર સુધી કોઈએ આવું કર્યું નથી. આજે દેશની સરહદો સુરક્ષિત છે. મોંઘવારી ઘટી રહી છે અને આવક વધી રહી છે. દેશનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે અને શત્રુઓ ગભરાયેલા છે.
