Western Times News

Gujarati News

ભારત-ઈઝરાયેલ: બે અતૂટ મિત્રોની ‘વ્યૂહાત્મક નિકટતા’ અને વૈશ્વિક શાંતિની આશા

ભારત-ઈઝરાયેલ હવે માત્ર એક દેશ નથી, ફેમિલી છે !

વર્ષ ર૦૧૭માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ઈઝરાયેલ ગયા હતા, ત્યારે તે એક ઈતિહાસ હતો. હવે ૮ વર્ષ પછી ર૦ર૬માં તેમની બીજી મુલાકાત એક ‘વ્યૂહાત્મક જરૂરિયાત’ અને ‘પરિપકવ મિત્રતા’નો પુરાવો છે. જયારે સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી હિંસા પર છે, ત્યારે વડાપ્રધાન મોદીનું ઈઝરાયેલમાં ઉતરાણ ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ અને સંતુલન જાળવવાની તેમની અનોખી ક્ષમતાને દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલની સંસદ નેસેટમાં સંબોધન કર્યું એ એક ઐતિહાસિક પળ હતી. વડાપ્રધાને કહ્યુ, ભારત ઈઝરાયેલ હવે માત્ર એક દેશ નથી ફેમીલી છે, એક પરિવાર જે દુઃખમાં સાથે રડે અને લડાઈમાં સાથે લડે. આ વાત બતાવે છે કે બન્ને દેશ હવે ખુબ નજીક આવી ગયા. પશ્ચિમ એશિયામાં હાલની પરિસ્થિતિને જોતા, આ પ્રવાસનો એક મહત્વપૂર્ણ સંદેશ એ છે કે ભારત પોતાની મલ્ટિ- અલાઈનમેન્ટ નીતિ પર અડગ છે.

ભારત પરંપરાગત રીતે ઈઝરાયલ સાથે મજબૂત સુરક્ષા સહકાર જાળવી રાખે છે, સાથે સાથે ઈરાન અને અરબ દેશો સાથે પણ સંતુલિત સંબંધો જાળવે છે. અમેરિકા- ઈરાન તણાવ વચ્ચે ભારતનું આ પગલું એ બતાવે છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપીને, પ્રાદેશિક સંતુલન સાધવા માગે છે.

હાલમાં પશ્ચિમ એશિયા બારુદના ઢગલાં પર બેઠું છે. એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, તો બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષે આખા પ્રદેશને અસ્થિર કર્યો છે.

અમેરિકાએ ઈરાન પર દબાણ વધારવા માટે આ વિસ્તારમાં મોટા પાયે સૈન્ય જમાવટ કરી છે. ઈરાન પણ જવાબી કાર્યવાહીની ધમકી આપી રહ્યું છે. આવા સમયે ભારત જેમના બંને દેશો સાથે સારા સંબંધો છે, તે એક મધ્યસ્થી અથવા સંતુલનકર્તા તરીકે ઉભી આવ્યું છે.

ઈઝરાયેલ હવે ‘આયર્ન વોલ’ ઓપરેશન હેઠળ પોતાની સરહદો સુરક્ષિત કરી રહ્યું છે. જોકે યુદ્ધવિરામની વાતો ચાલે છે, પણ જમીની હકીકત હજુ પણ તણાવપૂર્ણ છે. ભારત અને ઈઝરાયેલ બંને ભૌગોલિક રીતે એવા પડોશીઓથી ઘેરાયેલા છે જેઓ કટ્ટરપંથી અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

દુનિયા માટે ભારત-ઈઝરાયેલની મિત્રતા એ સંદેશ આપે છે કે આતંકવાદ અને યુદ્ધની પરિસ્થિતિમાં લોકશાહી દેશો એકબીજાના અનુભવ અને ટેકનોલોજીનો લાભ લઈ શકે છે. ઈઝરાયલની ઈન્ટેલિજન્સ ક્ષમતા, સાઈબર સુરક્ષા અને ડ્રોન ટેકનોલોજી ભારત માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. બીજી તરફ ભારત ઈઝરાયલ માટે વિશાળ બજાર અને વૈશ્વિક રાજનૈતિક સમર્થનનો સ્ત્રોત છે.

આ બંને દેશો વચ્ચેની દોસ્તીની સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે તેઓ એકબીજાની સુરક્ષા ચિંતાઓને માત્ર સમજે જ નહીં, પણ ટેકનોલોજી અને ઈન્ટેલિજન્સ દ્વારા એકબીજાને મદદ પણ કરે છે.

આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે મોટા કરારો થવાની પૂરી શકયતા છે. રક્ષા સહકાર ભારત-ઈઝરાયલ સંબંધોની ધરી રહ્યો છે. ઈઝરાયલ ભારતને સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલ, બારાક-૮ એર ડિફેન્સ સિસ્ટમ અને હેરોન ડ્રોન અને મિસાઈલ ટેકનોલોજીનું મહત્વ વધ્યું છે. તાજેતરના સંઘર્ષોમાં ડ્રોન અને મિસાઈલ ટેકનોલોજીનું મહત્વ વધ્યું છે, તેથી આ મુલાકાત દરમિયાન નવી ડિલ્સ અથવા સંયુકત ઉત્પાદન અંગે ચર્ચા થવાની સંભાવના નકારી શકાતી નથી.

શકય છે કે બંને દેશો સંયુકત સંશોધન અને ઉત્પાદન મોડેલ તરફ આગળ વધે. ખાસ કરીને સશસ્ત્ર ડ્રોન, લોઈટરિંગ મ્યુનિશન્સ અને અદ્યતન એર-ડિફેન્સ સિસ્ટમ્સ ક્ષેત્રે સહકાર વધારવાનો પ્રયત્ન થઈ શકે છે. ભારત ઈઝરાયલ પાસેથી માત્ર હથિય્રો ખરીદવા નથી માગતું, પણ ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ તેનું ઉત્પાદન ભારતમાં કરવા ઈચ્છે છે.

જેમાં (૧) આયર્ન બીમ ઃ ભારત ઈઝરાયેલની નવી લેઝર- આધારિત સંરક્ષણ પ્રણાલીમાં રસ ધરાવે છે. તે અત્યંત સસ્તી અને અસરકારક છે. (ર) સુદર્શન ચક્ર ઃ ભારતની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમમાં ઈઝરાયેલની ‘આયર્ન ડોમ’ જેવી ટેકનોલોજીના મિશ્રણ પર ચર્ચા થઈ શકે છે. (૩) ડ્રોન અને મિસાઈલ ઃ આશરે ૮.૬ અબજ (રૂ.૭૦,૦૦૦ કરોડથી) વધુના સંરક્ષણ સોદાઓ લાઈનમાં છે, જેમાં લાંબા અંતરની મિસાઈલો અને અદ્યતન ડ્રોનનો સમાવેશ થાય છે.

રક્ષા સિવાય, કૃષિ, પાણી સંચાલન અને સ્ટાર્ટઅપ ઈ કોસિસ્ટમમાં પણ સહકાર વધવાની શક્યતા છે. ઈઝરાયલ સ્ટાર્ટઅપ નેશન તરીકે ઓળખાય છે અને કૃષિમાં ડ્રિપ સિંચાઈ તથા પાણી રિસાઈકિલગમાં અગ્રેસર છે. ગુજરાત સહિત ભારતના અનેક રાજયોમાં ઈઝરાયલી ટેકનોલોજી આધારિત કૃષિ પ્રોજેકટ સફળ રહ્યાં છે.

આ મુલાકાતનો વૈશ્વિક સંદેશ એ છે કે ભારત એક ઉદયમાન શક્તિ તરીકે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા પ્રતિબદ્ધ છે. તે ન તો કોઈ એક બ્લોકમાં બંધાય છે, ન તો દબાણમાં નિર્ણય લે છે. ઈઝરાયલ સાથેની મિત્રતા ભારત માટે સુરક્ષા અને ટેકનોલોજિકલ લાભો આપે છે, જયારે ભારત ઈઝરાયલ માટે એશિયાઈ શક્તિ તરીકે મહત્વ ધરાવે છે.

ભવિષ્યમાં બંને દેશો વચ્ચે સાઈબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડિફેન્સ સિસ્ટમ્સ અને બોર્ડર મેનેજમેન્ટ ટેકનોલોજી ક્ષેત્રે સહકાર વધે તેવી શકયતા છે. મિસાઈલ અને ડ્રોન ખરીદી ઉપરાંત સંયુકત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર પર ભાર રહેશે.

વડાપ્રધાન મોદીનો ઈઝરાયલ પ્રવાસ માત્ર ઔપચારિક રાજદ્વારી કાર્યક્રમ નથી; તે વૈશ્વિક રાજકીય ગોઠવણમાં ભારતની સક્રિય ભૂમિકા અને રાષ્ટ્રીય હિતોની સ્પષ્ટતા દર્શાવે છે. અમેરિકા – ઈરાન તણાવની પૃષ્ઠભૂમિમાં આ મુલાકાત ભારતની સંતુલિત અને વ્યૂહાત્મક નીતિનું પ્રતિબિંબ છે. રક્ષા, ટેકનોલોજી અને આર્થિક સહકારમાં વધતા પગલાંઓ બંને દેશોની મિત્રતાને વધુ મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયાના જટિલ પરિપ્રેક્ષ્યમાં એક નવી દિશા નકકી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.