બોલો લ્યો, આ વર્તમાન ધારાસભ્યને હાલના મુખ્યમંત્રીનું નામ પણ યાદ નથી રહેતું!
ભારતીય જનતા પક્ષે કેવા કાચા કાર્યકરોને ટિકિટ આપીને વિધાનસભામાં મોકલ્યા છે તેના ઉદાહરણો અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમા તેનો એક તાજો દાખલો સામે આવ્યો છે.
વાત જાણે એમ બની કે ઉનાથી ચૂંટાયેલા ધારાસભ્ય કે. સી. રાઠોડ એક જાહેર કાર્યક્રમમાં વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેઓ એવું બોલ્યા કે ‘અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા……’ વગેરે વગેરે.
આમ રાઠોડે પૂર્વમંત્રીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા.ભા.જ.પ.ના વર્તમાન ધારાસભ્યને હાલના મુખ્યમંત્રીનું નામ પણ યાદ ન રહેતું હોય તો એ સ્થિતિ શું સૂચવે છે? એ સૂચવે છે કે મુખ્યમંત્રી અને ધારાસભ્ય વચ્ચે મળવાનાં પ્રસંગો ખૂબ ઓછા બને છે.

મજાની વાત તો એ છે કે ધારાસભ્ય રાઠોડે આ ભાંગરો વાટ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા ભાજપના પ્રમુખ ડો.સંજય પરમાર પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા!
કૃષિ મંત્રી જિતુ વાઘાણી પર વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ ધ્યાન આપે છે

ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના મંત્રી જિતુ વાઘાણીનું ચાલું વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ ધ્યાન રાખતા હોવાનું દેખાય છે.
ગત તા.૨૭મીએ બપોરે ૧-૩૦ વાગ્યે મળેલી બેઠકમાં જિતુ વાઘાણી એક પ્રશ્નનો લાંબો જવાબ આપતા હતા ત્યારે અધ્યક્ષ ચૌધરીએ મંત્રી વાઘાણીને બોલતા અટકાવીને કહ્યું હતું કે મંત્રી મહોદય આપે ૬ મિનિટ સુધી ખૂબ લાંબો જવાબ આપ્યો છે હવે એ પૂર્ણ કરો એમ કરીને જિતુ વાઘાણીને બેસાડી દીધા હતા.
આ પ્રશ્નોતરી કાળ દરમિયાન જ જિતુ વાઘાણી વિરોધ પક્ષ તરફ મોઢું રાખીને બોલતા હતા ત્યારે અધ્યક્ષે એમને ફરી ટપાર્યા કે મંત્રીશ્રી મારી સામું જોઈને બોલો, વિરોધ પક્ષ તરફ જોઈને નહીં! અને એક વખત તો જિતુ વાઘાણીને એવું પણ કહ્યું કે પ્રશ્નમાં માંગી હોય એટલી વિગતો જવાબમાં આપો. ટૂંકમાં અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી જિતુ વાઘાણી વચ્ચે થોડો તણાવ છે એવું સૌને દેખાય છે.
વિધાનસભા ચાલું હોય ત્યારે પણ મંત્રીઓ ચેમ્બરમાં મળતા નથી?

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભાનુ સત્ર ચાલું હોય ત્યારે દરેક મંત્રીઓને વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં (વિધાનસભા ગૃહમાં) ખાસ ચેમ્બર ફાળવવામાં આવે છે.પરંતુ ધારાસભ્યો પક્ષના મુખ્ય દંડક ને એવી ફરિયાદ કરે છે કે મંત્રીઓ તેમની વિધાનસભામાંની ચેમ્બરમાં મળતા નથી.નવાઈની વાત તો એ છે કે મંત્રીઓને ગૃહમાં અનુપસ્થિત જોઈને જ ધારાસભ્યો મંત્રીની ચેમ્બરમાં પોતાના કામની રજુઆત કરવા જતા હોય છે.પણ મંત્રી ચેમ્બરમાં પણ હોતા નથી.
હવે પ્રશ્ન એ થાય કે મંત્રી મહોદય ગૃહમાં પણ ન હોય અને પોતાની ચેમ્બરમાં પણ ન હોય તો ચાલું વિધાનસભાએ તેઓ જાય છે ક્યાં? અહીં એ પણ ખાસ નોંધવું જોઈએ કે આમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અપવાદ છે.તેઓ નિયમિત રીતે પોતાની વિધાનસભા ખાતેની ચેમ્બરમાં બેસે છે અને ધારાસભ્યો તથા મુલાકાતીઓને મળે છે.મંત્રીઓ પોતાના મુખ્યમંત્રી પાસેથી પ્રેરણા લે એવું સૌ ધારાસભ્યો ઈચ્છી રહ્યા છે.
આઇ.એ.એસ. અધિકારીની ૨૦૨૬ની પુસ્તિકામાં એક આગવી વિશેષતા

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં ગુજરાત કેડરના આઈ.એ.એસ. અધિકારીની સામાન્ય વિગતો આપતી એક પુસ્તિકા ‘ઓફિસર્સ બોર્ન ઓન ધી આઈ.એ. એસ. કેડર’ શિર્ષક તળે બહાર પડે છે.
આ પુસ્તિકામાં પ્રથમ ક્રમે રાજ્યના મુખ્ય સચિવનું નામ મુકવામાં આવતું હોય છે અને એ જ મોટેભાગે સૌથી સિનિયર ઓફિસર હોય છે. પરંતુ આ વર્ષની (૨૦૨૬ની) બુકલેટમાં એવું નથી બન્યુ.
આ વર્ષની પુસ્તિકામાં મુખ્ય સચિવ મનોજકુમાર દાસ બીજા ક્રમે મુકાયા છે અને પ્રથમ ક્રમે કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા અને ત્યાં સચિવ પદે ફરજ બજાવતા કે. શ્રીનિવાસનુ નામ છે.
કતિકિથલા શ્રીનિવાસ ૧૯૮૯ની બેચના સનદી અધિકારી છે અને મનોજ દાસ ૧૯૯૦ની બેચના સનદી અધિકારી છે એટલે સ્વાભાવિક રીતે જ શ્રીનિવાસ સિનિયર છે.
આમ તો સિનિયોરીટીની દ્રષ્ટિએ તેઓ જ ચીફ સેક્રેટરી થશે એવી સૌને કલ્પના હતી પણ કદાચ તેમની જરૂર કેન્દ્ર સરકાર ખાતે વધારે હશે એટલે કેન્દ્ર સરકારે તેમની સેવાઓ ત્યાં જ લેવાનું ચાલું રાખ્યું છે અને ગુજરાતમાં તેમનાથી એક વર્ષ જુનિયર અધિકારી મનોજ દાસને ચીફ સેક્રેટરી બનાવ્યા છે.
તેલંગાનાના હૈદરાબાદના વતની કે. શ્રીનિવાસ માયાળુ સ્વભાવના સંવેદનશીલ અને માનવતાવાદી અભિગમ ધરાવતા અધિકારી ગણાય છે.
નવા મંત્રીમંડળની રચના પછી વિધાનસભાની બેઠક વ્યવસ્થા બદલાઈ ગઈ છે
ગુજરાતના મંત્રીમંડળમાં છેલ્લે થયેલા ફેરફાર પછી વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર થઈ ગયો છે.(૧)ઃ-મુખ્યમંત્રીની બાજુમાં બેસતા કનુ દેસાઈનું સ્થાન બદલાઈ ગયું છે અને મુખ્યમંત્રીની બાજુમાં હર્ષ સંઘવી આવી ગયા છે.
(૨)ઃ-રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ અગાઉ રીવાબા જાડેજા સાથે બેસતા હવે તેમની બાજુમાં ઉદય કાનગડ આવી ગયા છે
(૩)ઃ-માજી કેબિનેટ મંત્રીઓ બળવંતસિંહ રાજપૂત અને શ્રીમતી ભાનુ બાબરિયાને સાથે બેસાડવામાં આવ્યા છે અને
(૪)ઃ-મુળુભાઈ બેરા અને રાઘવજી પટેલને મંત્રીમંડળની પાછળ પાછળના ભાગમાં એક સોફામાં સાથે સ્થાન આપવામાં આવ્યું છે.અને
(૫)ઃ-ગૃહમા પ્રશ્નોના જવાબ આપવામા બાહોશ મંત્રી તરીકેની છાપ ઉપસાવનાર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પ્રથમ હરોળમાં ત્રીજા સ્થાને બેસતા હતા તે હવે છેક પાંચમા સ્થાને પહોંચી ગયા છે.
