Western Times News

Gujarati News

ઈરાન યુદ્ધ પાકિસ્તાન માટે બનશે ‘આર્થિક મંદી’: તેલના ભાવ વધતા દેવાળિયું થઈ શકે છે?

તેલના ભાવમાં દર $10 ના વધારા સાથે પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 0.5 થી 0.6 ટકા વધી જાય છે-જો ક્રૂડ ઓઈલના ભાવ વધીને $100 પ્રતિ બેરલ સુધી પહોંચે છે, તો પાકિસ્તાનની ખાધ (Deficit) વાર્ષિક ધોરણે $5 થી $7 બિલિયન વધી શકે છે

ઇસ્લામાબાદ: ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા યુદ્ધની સૌથી ભયાનક અસર પાકિસ્તાનના અર્થતંત્ર પર પડવાની આશંકા છે. એક તાજા અહેવાલ મુજબ, આ યુદ્ધને કારણે તેલના સપ્લાયમાં આવનારો અવરોધ પાકિસ્તાન માટે “સૌથી મોટો આર્થિક ખતરો” સાબિત થઈ શકે છે. તેલના વધતા ભાવ પાકિસ્તાનમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ કરી શકે છે.

મોંઘવારી અને ટેક્સમાં રાહત મળવી મુશ્કેલ

પાકિસ્તાની અખબાર ‘ડોન’ (Dawn) ના તંત્રીલેખ મુજબ, જો તેલના ભાવ વધશે તો મોંઘવારી ફરી આસમાને પહોંચશે. આનાથી પાકિસ્તાન સરકાર માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવો અથવા લોકોને ટેક્સમાં રાહત આપવી લગભગ અશક્ય બની જશે. નિષ્ણાતોના મતે, તેલના ભાવમાં દર $10 ના વધારા સાથે પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 0.5 થી 0.6 ટકા વધી જાય છે.

કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં અબજો ડોલરનો ઉછાળો

પાકિસ્તાન બિઝનેસ કાઉન્સિલના પૂર્વ સીઈઓ અહેસાન મલિકના જણાવ્યા અનુસાર, જો ક્રૂડ ઓઈલના ભાવ વધીને $100 પ્રતિ બેરલ સુધી પહોંચે છે, તો પાકિસ્તાનની ખાધ (Deficit) વાર્ષિક ધોરણે $5 થી $7 બિલિયન વધી શકે છે. આ સ્થિતિ પાકિસ્તાનને ફરી એકવાર દેવાળિયું (Default) થવા તરફ ધકેલી શકે છે.

રૂપિયાનું મૂલ્ય ઘટવાની ભીતિ

રશિયા-યુક્રેન યુદ્ધના સમયને યાદ કરતા વિશ્લેષકોએ જણાવ્યું કે, ત્યારે પાકિસ્તાની રૂપિયો ડોલર સામે 170 થી ઘટીને 305 સુધી પહોંચી ગયો હતો. જો વર્તમાન યુદ્ધ લાંબુ ખેંચાય અને ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા વ્યૂહાત્મક માર્ગો બંધ કરે, તો પાકિસ્તાનનું આયાત બિલ અને વિનિમય દર નિયંત્રણ બહાર જઈ શકે છે.

સપ્લાય ચેઈન ખોરવાતા ફફડાટ

ઈરાન દ્વારા સાઉદી અરેબિયાના ઓઈલ અને ગેસ પ્લાન્ટ પર કરાયેલા હુમલાએ વૈશ્વિક બજારમાં તેલના પુરવઠા અંગે ચિંતા વધારી દીધી છે. તેલની આયાત પર નિર્ભર એવા પાકિસ્તાન જેવા દેશો માટે આ સ્થિતિ ‘આર્થિક હોરર’ સમાન છે, જે તેમના અર્થતંત્રને ફરીથી પાયમાલ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.