Western Times News

Gujarati News

AI જનરેટેડ પુરાવાના આધારે ચુકાદો લખવો એ બિલકુલ ખોટું છેઃ સુપ્રીમ

આ મામલે સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ આપી

ગયા વર્ષે ઓગસ્ટમાં આંધ્રપ્રદેશની એક ટ્રાયલ કોર્ટે વિવાદિત મિલકતના કેસમાં એઆઈ દ્વારા નિર્મિત તસવીરના આધારે ચુકાદો આપ્યો હતો

નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે સોમવારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની એક અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ)ની મદદથી તૈયાર કરાયેલા પુરાવાઓના આધારે ચુકાદો લખવો એ એક ‘ખોટું કાર્ય’ છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આ કોઈ ભૂલથી થયેલું કામ નથી.જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને આલોક અરાધેની બેંચે જણાવ્યું કે તેઓ આના પરિણામો અને જવાબદારીની તપાસ કરવા માંગે છે, કારણ કે તેની સીધી અસર ન્યાયિક પ્રક્રિયાની પ્રમાણિકતા પર પડે છે.

આ મામલે કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવી છે.ગયા વર્ષે ઓગસ્ટમાં આંધ્રપ્રદેશની એક ટ્રાયલ કોર્ટે વિવાદિત મિલકતના કેસમાં એઆઈ દ્વારા નિર્મિત તસવીરના આધારે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં હાઈકોર્ટે પણ તે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરીને કહ્યું કે, જો કોઈ ચુકાદાનો આધાર અસ્તિત્વમાં ન હોય તેવા અથવા નકલી પુરાવા હોય, તો તે માત્ર ભૂલ નથી પરંતુ ગંભીર ગેરવર્તણૂક છે.

આવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ટ્રાયલ કોર્ટે મિલકતની સ્થિતિ તપાસવા માટે એડવોકેટ-કમિશનરની નિમણૂક કરી હતી, જેમના રિપોર્ટ પર અરજીકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો.આ મામલો માત્ર ચુકાદાના પરિણામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ન્યાય આપવાની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નાર્થાે ઊભા કરે છે. સુપ્રીમ કોર્ટ આ સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી માટે સહમત થઈ છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ પિટિશનનો નિકાલ ન આવે, ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ એડવોકેટ-કમિશનરના રિપોર્ટના આધારે આગળ વધશે નહીં. આ મામલે હવે વધુ સુનાવણી ૧૦ માર્ચના રોજ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.