બહેરીનની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી BAPCO પર ભીષણ હુમલો
(એજન્સી)બહેરીન, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા જંગની આગ હવે તેલના ભંડારો સુધી પહોંચી ગઈ છે. બહેરીનની સૌથી મોટી અને એકમાત્ર ઓઈલ રિફાઈનરી BAPCO પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ રિફાઈનરીમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રિફાઈનરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ૪ દિવસ પહેલા પણ આ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ આ વખતનો હુમલો અત્યંત ઘાતક મનાઈ રહ્યો છે. બહેરીન એ આરબ દેશોમાં અમેરિકાનો મુખ્ય સહયોગી દેશ છે.
આથી માનવામાં આવે છે કે આ હુમલો ઈરાન દ્વારા જ કરવામાં આવ્યો હશે. જોકે, હજુ સુધી બહેરીન કે ઈરાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ૯૦ વર્ષ જૂની આ રિફાઈનરી પ્રતિદિન ૪ લાખ બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ રિફાઈનરી માત્ર બહેરીન માટે જ નહીં, પણ સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોના તેલ રિફાઈનિંગ માટેનું પણ મુખ્ય કેન્દ્ર છે. જો આ રિફાઈનરી લાંબો સમય ઠપ રહેશે તો વૈશ્વિક તેલ પુરવઠા પર તેની સીધી અસર પડશે.
ઈરાને આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૨૦૦ ડોલરને પાર કરી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ૧૧૦ ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થવો નિશ્ચિત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ઈરાનમાં સત્તા પરિવર્તન થયા પછી જ તેલની કિંમતો અને યુદ્ધની સ્થિતિ કાબૂમાં આવશે.
