Western Times News

Gujarati News

અત્યાર સુધીમાં ફી નિયમોનું ઉલ્લંઘન કરનારી 10થી વધુ શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી: રિવાબા જાડેજા

File Photo

સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા અને ફી નિયમન માટે FRC સમિતિ થકી કડક અમલવારી: રિવાબા જાડેજા

ગાંધીનગર, રાજ્યની કોઈપણ શાળા ફી નિયમોનું ઉલ્લંઘન કરે અથવા વાલીઓ તરફથી ફરિયાદ મળે તો ફી રેગ્યુલેટરી કમિટી-FRC દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં પ્રથમ વાર ફરિયાદ મળે તો રૂ. ૫ લાખ સુધીનો દંડ, બીજી વાર રૂ. ૧૦ લાખ સુધીનો દંડ અને જો ત્રીજી વાર ફરિયાદ મળે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ફી નિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૦થી વધુ શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, તેમ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રિવાબા જાડેજાએ વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને વાલીઓને ફી બાબતે પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્યમાં તા. ૨૭ એપ્રિલ, ૨૦૧૭થી ફી રેગ્યુલેટરી કમિટી-FRCની રચના કરવામાં આવી છે. આ સમિતિના કાર્યક્ષેત્રમાં રાજ્યની પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત તમામ પ્રકારની સ્વનિર્ભર શાળાઓનો સમાવેશ થાય છે.

વધુમાં, ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE અને ICSE જેવા તમામ બોર્ડ સાથે જોડાયેલી સ્વનિર્ભર શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, વાલીઓની સુવિધા અને પારદર્શિતા માટે સમગ્ર પ્રક્રિયાને ઓનલાઇન કરવામાં આવી છે. કોઈપણ શાળાની નિયત થયેલી ફીની વિગતો વાલીઓ FRCના ઓનલાઈન પોર્ટલ પરથી મેળવી શકે છે.

આ ઉપરાંત શાળાઓનું સમયાંતરે ચેકિંગ અને ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા દ્વારા સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. વધુમાં, જો કોઈ વાલી પોતાનું નામ જાહેર કર્યા વગર પણ ફરિયાદ કરે તો શિક્ષણ વિભાગ તેની ગંભીરતાથી નોંધ લઈને જે તે શાળા સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.