Western Times News

Gujarati News

વર્ષ ૨૦૨૯ સુધીમાં સમગ્ર ગુજરાતને ‘ફાટક મુક્ત’ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય

પ્રતિકાત્મક

બારડોલીમાં રેલવે ઓવરબ્રિજ બનતાં આસપાસનાં ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં સરળતા ઊભી થશે

અમદાવાદ, વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રેલવે બ્રિજ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં રેલવે ફાટક પરથી અવરજવર સુગમ બને તે માટે આગામી વર્ષ-૨૦૨૯ સુધીમાં સમગ્ર રાજ્યને ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.

જે અંતર્ગત, રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ અંગેની આંકડાકીય વિગતો આપતાં શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ ૩૬૭ રેલવે ફાટક આવેલાં છે. જે પૈકી ૧૩૦ ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ૫૨ જેટલાં ઓવરબ્રિજ/અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય ૪૬ જેટલાં કામો મંજૂરી હેઠળ છે.

આ સિવાય, બાકી રહેલાં ૧૩૭ ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં સમગ્ર રાજ્યને રેલવે ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.

બારડોલી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે આવેલા એલ.સી. નં.૨૫ પરના રેલવે ઓવરબ્રિજ વિશેની માહિતી આપતાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું કે આશરે ૮૬૫ મીટરની કુલ લંબાઈનો આ ઓવરબ્રિજ બનવાથી આ માર્ગ પર આવતાં વિવિધ ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં ફાયદાકારક બની રહેશે.

આ ઉપરાંત, અસ્તાન ગામ તથા નજીકના કન્યા વિદ્યાલયની ૧૫૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને ફૂટ ઓવરબ્રિજ થકી અવરજવરમાં સરળતા થવાની સાથે સ્થાનિક ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થશે. આ પ્રોજેક્ટ પ્રગતિશીલ ગુજરાતની દિશામાં એક મહત્ત્વનું કદમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.