Western Times News

Gujarati News

ગોધરા પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ગોધરા બી-ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસરમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ડોગ સ્ક્વોડને પણ બોલાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ગોધરા પોસ્ટ ઓફિસ અને તેમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મોકલી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ મળતા જ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસને જાણ થતાં જ ગોધરા બી-ડિવિઝન પોલીસ સાથે એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ તેમજ આસપાસના સમગ્ર વિસ્તારનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડોગ સ્ક્વોડની મદદથી બિલ્ડિંગના દરેક ખૂણે ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

આ ઘટનાને પગલે પોસ્ટ ઓફિસમાં કામકાજ માટે આવેલા લોકો અને ગ્રાહકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મળતા તંત્ર વધુ સતર્ક બન્યું છે.

હાલ પોલીસે ઈમેલ મોકલનાર અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવા માટે સાયબર ટેકનિકલ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.