Western Times News

Gujarati News

ગિરગઢડાની મહિલાએ હિંમત કરી સિંહણના જડબામાંથી પુત્રીને છોડાવી

શાણાવાંકિયામાં સિંહણના જડબામાંથી પુત્રીને છોડાવતી જનની -માતાએ પથ્થરમારો કરી સિંહણને ભગાડી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી હોસ્પિટલમાં દાખલ

ઉના, ગિરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં ૮ વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી. જોકે માતાએ અદમ્ય હિંમત દાખવી પથ્થરો વડે સિંહણનો સામનો કરતા અંતે સિંહણે માસૂમને છોડીને ભાગવું પડ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે શાણાવાંકિયાના ભૂતડાદાદા ધજા વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં ૮ વર્ષીય રીવા મહેશભાઈ રામાણી તેની માતા મનીષાબેન સાથે કેરી વીણતી હતી. આ દરમિયાન બગીચામાં સિંહબાળ સાથે વસવાટ કરતી એક સિંહણ અચાનક ત્રાટકી હતી અને જોતજોતામાં માતાની નજર સામે જ રીવાને જડબામાં દબાવી ઉપાડી ગઈ હતી.

પોતાની વહાલસોયી દીકરીને કાળના મુખમાં જતી જોઈ માતા મનીષાબેને જરા પણ ડર્યા વગર તેમણે તુરંત હાથમાં પથ્થર લઈ સિંહણની પાછળ દોટ મૂકી હતી. એક તરફ જોરદાર બૂમાબૂમ અને બીજી તરફ પથ્થરમારો શરૂ થતા સિંહણ ડઘાઈ ગઈ હતી. માતાના સતત પ્રતિકારને કારણે સિંહણે રીવાને લોહીલુહાણ હાલતમાં પડતી મૂકી જંગલ તરફ ભાગી જવાની ફરજ પડી હતી.

સિંહણના હુમલામાં રીવાને છાતી, પીઠ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારજનો તેને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બનાવની જાણ થતા જ વન વિભાગનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ પાસે સુરક્ષાના કડક પગલાં લેવાની માગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.