Western Times News

Gujarati News

હોળી-ધૂળેટી બાદ શ્રમિકોની અછતઃ કરોડોના વિકાસકામોની ગતિ મંદ પડી

File Photo

આવી જ હાલત અમદાવાદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓની પણ છે-રસ્તા અને પાણી જેવા આવશ્યક કામો ઝડપથી પૂરા કરવા પર વહીવટી તંત્રનો વિશેષ ભાર 

ગાંધીનગર, ગાંધીનગર શહેર અને જિલ્લામાં હાલમાં ચાલી રહેલા વિવિધ માળખાકીય સુવિધાના કામો પર શ્રમિકોની અછતનું ગ્રહણ લાગ્યું છે. હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવા વતન ગયેલા પરપ્રાંતિય શ્રમિકો પખવાડિયું વીતવા છતાં હજુ પરત ફર્યા નથી, આવી જ હાલત અમદાવાદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓની પણ છે.

જેના કારણે પાણી, ગટર, રસ્તા અને સરકારી બાંધકામની અનેક સાઈટ્‌સ પર કામગીરી ખોરંભે પડી છે. હાલની સ્થિતિ એવી છે કે અનેક જગ્યાએ ૧૦૦ મજૂરોની જરૂરિયાત સામે માંડ ૩૦ મજૂરો જ ઉપલબ્ધ થઈ રહ્યા છે.

આ શ્રમિકોની અછત એવા સમયે વર્તાઈ રહી છે જયારે વહીવટી તંત્ર માટે આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને કામો પૂર્ણ કરવા અત્યંત અનિવાર્ય છે. ચાલુ વર્ષે ગાંધીનગર જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે,

જેની પ્રક્રિયા રાજય ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવતી હોવાથી સરકાર દ્વારા જનતાને સીધી અસર કરતા રસ્તા અને પાણી જેવા આવશ્યક કામો ઝડપથી પૂરા કરવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાની સાથે જ સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે. આવા સંજોગોમાં મતદારો સમક્ષ રજૂ કરી શકાય તેવા વિકાસકામો સમયસર પૂર્ણ કરવા પાટનગર યોજના વિભાગ, ગુડા અને જિલ્લા પંચાયતના ઈજનેરો ચિંતામાં મુકાયા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ વતન ગયેલા શ્રમિકોમાંથી હજુ માત્ર ૩૦ ટકા જેટલા જ પરત ફર્યા છે. જયાં સુધી બાકીના શ્રમિકો પરત આવીને કામે ન લાગે ત્યાં સુધી અટકી પડેલા પ્રોજેકટ્‌સમાં ફરી ધમધમાટ શરૂ થવાના કોઈ અણસાર દેખાતા નથી.

શ્રમિકોના અભાવે વિકાસના પૈડાં થંભી જતાં કોન્ટ્રાકટરો અને સરકારી વિભાગો હવે શ્રમિકો વહેલી તકે પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી નિર્ધારિત સમયમર્યાદામાં લોકહિતના કામો આટોપી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.