Western Times News

Gujarati News

દાહોદમાં મહિલાને ફોસલાવી દાગીના લૂંટનાર “બંટી-બબલી” ઝડપાયા

(પ્રતિનિધિ) ગોધરા, દાહોદ શહેરમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી છેતરપિંડી અને લૂંટ ચલાવતી એક શાતિર જોડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા રોડ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપી પુરુષ અને મહિલાને ઝડપી પાડીને કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

માહિતી મુજબ, બે દિવસ પહેલાં ગોધરા રોડ ઉપર એક મહિલા પગપાળા જઈ રહી હતી ત્યારે એક અજાણ્યો ઈસમ તેની પાસે આવી સરનામું પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી. થોડા સમય બાદ બીજી એક મહિલા પણ ત્યાં આવી અને તે મહિલાને વાતોમાં ફસાવી દીધી હતી. આરોપી મહિલાએ ચતુરાઈપૂર્વક વિશ્વાસ જીતતા કહ્યું કે, “તમારા પર કોઈએ વશીકરણ કર્યું છે” અને આસપાસ ખરાબ લોકો ફરતા હોવાની ભયભીત કરી વાતોનું જાળ બૂંધી દીધું હતું.

આ રીતે ડર અને વિશ્વાસ ઉભો કરીને આરોપીઓએ મહિલાને તેના કાનની વાળીઓ, મંગળસૂત્ર સહિતના સોનાના દાગીના અને મોબાઈલ એક થેલીમાં મુકવા માટે પ્રેરિત કરી. ત્યારબાદ પહેલો ઈસમ પણ પાછો આવી ગયો અને બંનેએ મળીને મહિલાને વાતોમાં જાળવી રાખી દાગીના અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્રના વસીમ શેખ અને સલમા ઇકબાલ શેખને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી લૂંટાયેલા દાગીના પણ કબ્જે કરવામાં આવ્યા છે.

પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મળ્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓએ અન્ય ક્યાં ક્યાં સ્થળોએ આવી જ રીતથી છેતરપિંડી અને લૂંટની ઘટનાઓ આચરી છે તેમજ આ ગેંગમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે.

ખાસ વાત એ છે કે ઝડપાયેલી સલમા સામે ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવી પ્રકારની છેતરપિંડીના કુલ આઠ ગુનાઓ નોંધાયેલા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અજાણ્યા લોકો સાથે વાતચીત કરતી વખતે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.