Western Times News

Gujarati News

કોઈપણ ઉંમરનું બાળક દત્તક લેનારને મેટરનિટી લીવ મળેઃ સુપ્રીમ

નવી દિલ્હી, બાળક જૈવિક હોય કે દત્તક લીધેલું, માતા અને સંતાન વચ્ચેનો સ્નેહ અને સંભાળની જરૂરિયાત સમાન હોય છે. આ માનવીય પાસાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક હસ્તક્ષેપ કર્યાે છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા દત્તક લેનારી માતાઓ માટે મેટરનિટી લીવ એટલે કે ‘માતૃત્વ રજા’ મર્યાદિત કરતી કાયદાકીય જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવેથી બાળક દત્તક લેનારી દરેક માતાને ઉંમરના કોઈ પણ ભેદભાવ વગર રજાનો સમાન અધિકાર મળશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ‘માતૃત્વ રજા’ એટલે કે ‘મેટરનિટી લીવ’ માત્ર એ જ માતાઓને મળતી હતી જેઓ ત્રણ મહિનાથી ઓછી ઉંમરનું બાળક દત્તક લેતી હોય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકની ઉંમર ગમે તે હોય, દત્તક લેનારી તમામ માતાઓને બાળક દત્તક લીધાની તારીખથી ૧૨ અઠવાડિયાની રજાનો અધિકાર રહેશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે ‘કોડ ઓન સોશિયલ સિક્યુરિટી ૨૦૨૦’ની કલમ ૬૦(૪) હેઠળ ઉંમરના આધારે કરાયેલું વિભાજન ‘ભેદભાવપૂર્ણ’ હતું અને તે બંધારણની કલમ ૧૪ અને ૨૧નો ભંગ કરે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સામાજિક કલ્યાણના પગલા તરીકે ‘પિતૃત્વ રજા’ એટલે કે ‘પેટરનિટી લીવ’ શરૂ કરવા પર પણ વિચાર કરવા જણાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.