Western Times News

Gujarati News

ગોધરા કોર્ટમાંથી ચોરાયેલા નોટરી સિક્કા સાથે ઇસમ ઝડપાયો

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં થયેલ ચોરીના એક મહત્વના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરાએ સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. પોપટપુરા વિસ્તારમાં મઢુલી હોટલ પાસે પોલીસે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્‌યો હતો,

જેના પાસેથી ગોધરા કોર્ટ બિલ્ડીંગમાંથી ચોરાયેલા નોટરી વકીલોના સિક્કા, સહીનું પેડ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધન અને મોબાઇલ ફોન મળી કુલ અંદાજિત રૂપિયા ૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર, ગોધરા કોર્ટના ફોજદારી વિભાગમાં વકીલોના ટેબલમાંથી તા. ૦૩ માર્ચ ૨૦૨૬ના રોજ સિક્કાઓની ચોરી કરવામાં આવી હતી. આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોપટપુરા ખાતે ખાનગી વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં સંજયસિંહ જશંવતસિંહ પરમાર (રહે. વાઘજીપુર, તા. શેહરા, )નામના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી પાંચ નોટરી સિક્કા, એક સહી પેડ, એક ડીસમીસ અને બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. પુછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે કોર્ટ બિલ્ડીંગમાં ટેબલના લોક તોડી સિક્કાઓની ચોરી કરી હતી.

આ કામગીરી દ્વારા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો (બી.એન.એસ કલમ ૩૦૩(૨)) ડીટેક્ટ કરવામાં આવ્યો છે. પોલીસની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે મહત્વનો ગુનો ઉકેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.