Western Times News

Gujarati News

ટ્રમ્પનો મોટો નિર્ણય: ઈરાનના પાવર પ્લાન્ટ્સ પરના હુમલા 5 દિવસ માટે સ્થગિત કર્યા

File Photo

સોશિયલ મીડિયા એપ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ નિર્ણય હાલમાં ચાલી રહેલી “બેઠકો અને ચર્ચાઓ” ની “સફળતા” ને આધીન રહેશે.

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમણે સંરક્ષણ વિભાગ (Defence Department) ને ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના તમામ હવાઈ હુમલાઓ પાંચ દિવસ માટે સ્થગિત રાખવા સૂચના આપી છે. પોતાની સોશિયલ મીડિયા એપ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ નિર્ણય હાલમાં ચાલી રહેલી “બેઠકો અને ચર્ચાઓ” ની “સફળતા” ને આધીન રહેશે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમિયાન વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી દુશ્મનાવટના “સંપૂર્ણ અને કાયમી ઉકેલ” અંગે “ખૂબ જ સારી અને ઉત્પાદક વાતચીત” થઈ છે.

શું હતો વિવાદ? શનિવારે ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું – જે સોમવારે મધ્યરાત્રિ (GMT) પહેલા પૂર્ણ થતું હતું. ટ્રમ્પની માંગ હતી કે ઈરાન ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) ને તાત્કાલિક ખુલ્લી કરે. આ એક એવો મહત્વપૂર્ણ જળમાર્ગ છે જેને ઈરાને અસરકારક રીતે બ્લોક કરી દીધો છે અને ત્યાંથી વિશ્વના કુલ તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ના પુરવઠાનો પાંચમો ભાગ પસાર થાય છે.

ઈરાનની વળતી ચેતવણી

સામે પક્ષે તેહરાને પણ ચીમકી આપી હતી કે જો અમેરિકા ટ્રમ્પની ધમકી મુજબ હુમલો કરશે, તો ઈરાન મધ્ય પૂર્વમાં મહત્વપૂર્ણ જળ પ્રણાલીઓ સહિતના આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને “કાયમી ધોરણે નષ્ટ” કરી દેશે.

ઈરાને એમ પણ કહ્યું હતું કે તેઓ તે તમામ વિસ્તારોના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે જે અમેરિકન બેઝને વીજળી પૂરી પાડે છે, તેમજ તેવા આર્થિક, ઔદ્યોગિક અને ઉર્જા માળખાને પણ નિશાન બનાવશે જેમાં અમેરિકા હિસ્સો ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.