Western Times News

Gujarati News

એપ્રિલ મહિનામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ

પ્રતિકાત્મક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ભાજપનો મુખ્ય મુદ્દો યુસીસી રહેશે

ગાંધીનગર,  ગુજરાતમાં 31મી માર્ચે વડાપ્રધાન મોદીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન ઉત્તર ગુજરાત અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેમની ગુજરાત મુલાકાત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે.

આ દરમિયાન ગઈ કાલે વિધાનસભામાં યનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલને લઈને રાજકારણ શરૂ થયું છે. આ બિલને લઈને ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

  ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યા બાદ આજે ભાજપની પ્રદેશ કોર કમિટીની બેઠક મળી હતી. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના સભ્યો હાજર રહ્યા હતાં. કોર કમિટીની રચના કર્યા બાદ પ્રદેશ ભાજપની આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ વખતે ભાજપ યુનિફોર્મ સિવિલ કોડના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવું રાજકીય સુત્રો તરફથી જાણવા મળ્યું છે. ભાજપે આ બિલને લઈને લોકો સુધી પહોંચવા અને લોકોને બિલ અંગે જાણકારી આપવાનો પણ પ્લાન તૈયાર કર્યો હોવાની વિગતો સામે આવી છે. પેજ કમિટી સ્તરની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. શક્તિ કેન્દ્ર સ્તરની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીના પ્રાથમિક માપદંડ અંગે પણ ચર્ચા કરાઈ હતી.

રાજ્યમાં 30મી માર્ચે ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ અંગે આદેશ પણ આપી દીધા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લેશે ત્યાર બાદ એપ્રિલ મહિનામાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સંભવિત મતદાન થઈ શકે છે. જ્યારે મહિનાના મધ્યકાળ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. મહાનગર પાલિકા અને નગર પાલિકાનું પ્રથમ મતદાન થશે. બીજા તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.