સામાન્ય ઝઘડામાં પડોશીએ મહિલા સોફ્ટવેર એન્જિનિયર પર કાર ચડાવી દીધી
પ્રતિકાત્મક
ઈન્દોર (મધ્યપ્રદેશ): સ્વચ્છ શહેર ઈન્દોરની એક રહેણાંક સોસાયટીમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં વીજળી કાપવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં એક શખ્સે પોતાની પડોશમાં રહેતી મહિલા સોફ્ટવેર એન્જિનિયર પર ફૂલ સ્પીડમાં કાર ચડાવીને તેની હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ ગઈ છે.
Woman Software Engineer crushed to death by a man following an argument in a residential colony in Indore
શું હતી સમગ્ર ઘટના?
મૃતક મહિલાના પતિ સૌરભ પાંડેના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના ઘરની વીજળી ગુલ થઈ ગઈ હતી. જ્યારે તેમણે બહાર ચેક કર્યું તો ગેલેરીમાં લાઈટ ચાલુ હતી. નીચે તપાસ કરવા જતા જાણવા મળ્યું કે પેન્ટહાઉસના માલિક ચૌધરીએ જાણીજોઈને તેમના ઘરનો પાવર સપ્લાય બંધ કરી દીધો હતો.
ઝઘડા બાદ પુત્રને બોલાવી પત્નીને કચડી નાખી
સૌરભે જ્યારે આ બાબતે પ્રશ્ન કર્યો ત્યારે પેન્ટહાઉસના માલિક સાથે ઉગ્ર દલીલો થઈ હતી. વિવાદ વકરતા માલિકે તેના પુત્રને ફોન કરીને કાર લઈને આવવા કહ્યું. પુત્ર કાર લઈને આવતા જ તેણે ગાળાગાળી શરૂ કરી હતી અને અચાનક સોસાયટીના કેમ્પસમાં જ ૬૦-૭૦ કિમીની ઝડપે કાર દોડાવી હતી.
આ ઉન્મત્ત ચાલકે પહેલા એક કામવાળી મહિલાને ટક્કર મારી અને ત્યારબાદ સૌરભની પત્ની પર કાર ચડાવી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈને દીવાલ સાથે અથડાઈ હતી. ગંભીર ઈજાઓ અને બ્રેઈન હેમરેજ થવાને કારણે મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા MR-11 પરની ‘શિવ વાટિકા ટાઉનશીપ’માં રાત્રે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. મૃતક શમ્પા પાંડે ગત ૧૩ માર્ચના રોજ જ તેમના પતિ અને બે બાળકો સાથે આ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને મુખ્ય આરોપી મોહિત ચૌધરી અને તેના પિતા કુલદીપ ચૌધરીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ અને CCTV ફૂટેજ
પીડિત પરિવારનો આક્ષેપ છે કે આરોપી ચૌધરી તેના પેન્ટહાઉસમાં હાઉસિંગ રેન્ટલ સર્વિસ ચલાવે છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સોસાયટીના CCTV ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે, જેમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
