કોંગ્રેસ દ્વારા ખાડી દેશોના મુદ્દે કરવામાં આવતી ટિપ્પણીઓ અત્યંત ખતરનાક: PM મોદી
File
સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ
(એજન્સી)થિરૂવનંતપૂરમ્, કેરલમના પલક્કડમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને તેના પર ભારતમાં થઈ રહેલી રાજનીતિને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે, “કોંગ્રેસ રાજકીય ફાયદા માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ પર ભારત સરકારની સક્રિયતા અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સરકાર સતત પ્રયત્નશીલ છે કે આ યુદ્ધની ભારત પર ઓછામાં ઓછી અસર પડે.
તેમણે જણાવ્યું કે, જ્યારથી યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી હું વિશ્વના નેતાઓના સંપર્કમાં છું. તમામ દેશો સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પીએમએ ઉમેર્યું કે, કોંગ્રેસ દ્વારા ખાડી દેશોના મુદ્દે કરવામાં આવતી ટિપ્પણીઓ અત્યંત ખતરનાક છે, જે ત્યાં વસતા અંદાજે ૧ કરોડ ભારતીયોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
કેરલમના ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યમાં ડાંગરની ખરીદીમાં વિલંબ અને સમયસર નાણાં ન મળવાને કારણે હજારો ખેડૂતો પરેશાન છે. તેમણે ખાતરી આપી હતી કે, ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન જો કોઈ કરી શકે તેમ હોય તો તે ભાજપ છે.
