Western Times News

Gujarati News

ટ્રમ્પે NATO ગઠબંધનની આકરી ટીકા કરતા તેની પ્રાસંગિકતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા

File Photo

ટ્રમ્પે નાટો (NATO) ને ગણાવ્યું ‘કાગળનો વાઘ’: કહ્યું- ‘મોટા યુદ્ધમાં આ ગઠબંધન અમેરિકાને સાથ નહીં આપે’

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (NATO) ગઠબંધનની આકરી ટીકા કરતા તેની પ્રાસંગિકતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો ભવિષ્યમાં કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળશે, તો આ સૈન્ય ગઠબંધન કદાચ અમેરિકાના પક્ષમાં ઊભું નહીં રહે.

‘કાગળનો વાઘ’ છે નાટો: ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત ઇસ્ટર લંચ દરમિયાન બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તાજેતરના સૈન્ય ઓપરેશન્સે આ ટ્રાન્સએટલાન્ટિક ગઠબંધનની નબળાઈઓ છતી કરી દીધી છે. તેમણે નાટોને ‘કાગળનો વાઘ’ (Paper Tiger) ગણાવતા કહ્યું કે, વાસ્તવિક સંઘર્ષની સ્થિતિમાં આ સંગઠન બિનઅસરકારક સાબિત થયું છે. ટ્રમ્પે ઉમેર્યું, “નાટોમાં આપણી પાસે કેટલાક ખૂબ જ ખરાબ સાથી દેશો છે. જ્યારે જરૂર પડી ત્યારે તેઓ આગળ આવવામાં નિષ્ફળ રહ્યા છે.”

સહાય માંગવા છતાં ઠેંગો મળ્યો ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે મદદ માટે અનેક નાટો સભ્યોનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈએ નક્કર ખાતરી આપી નહોતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું, “તેમાંના ઘણા કહેતા હતા કે જ્યારે યુદ્ધ પૂરું થઈ જશે ત્યારે અમે ત્યાં હોઈશું.” ટ્રમ્પે આ પ્રકારના પ્રતિક્રિયાને પ્રતીકાત્મક અને વિલંબિત ગણાવીને તેની ટીકા કરી હતી.

ભારણની અસમાન વહેંચણી અને સાથી દેશો પર પ્રહાર રાષ્ટ્રપતિએ નાટો પાછળ થતા ખર્ચ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકાએ નાટો પાછળ ‘ટ્રિલિયન ડોલર’ ખર્ચ્યા છે, પરંતુ બદલામાં જ્યારે સમર્થનની જરૂર હોય ત્યારે કંઈ જ મળતું નથી. વ્હાઇટ હાઉસની યુટ્યુબ ચેનલ પર મૂકાયેલા (અને બાદમાં હટાવી લેવાયેલા) વીડિયો મુજબ, ટ્રમ્પે ફ્રાન્સ અને યુકે જેવા મુખ્ય સાથી દેશોના નામ લઈને કહ્યું હતું કે તેઓ મદદ કરવામાં ઢીલાશ દાખવે છે અથવા અનિચ્છા ધરાવે છે.

અમેરિકા એકલા હાથે લડવા સક્ષમ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકી સૈન્ય કોઈપણ સાથી વગર સ્વતંત્ર રીતે કામ કરવા સક્ષમ છે. તેમણે કહ્યું, “અમે દુશ્મનો પર જોરદાર પ્રહારો કરી રહ્યા હતા… અને છેલ્લે મારે જે જોઈતું નહોતું તે હતું નાટોનો હસ્તક્ષેપ.” તેમના નિવેદનો સૂચવે છે કે હવે અમેરિકા સુરક્ષા બાબતે કોઈ ગઠબંધન પર નિર્ભર રહેવાને બદલે પોતાના વ્યૂહાત્મક હિતોના આધારે એકપક્ષીય અભિગમ અપનાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.