હોસ્પિટલમાં ફોનથી સૂચના આપીને ડિલિવરી કરાવાતાં મહિલા, શિશુનું મોત
અયોધ્યા, યુપીના અયોધ્યામાં એક ખાનગી હોસ્પિટલમાં બિનઅનુભવી સ્ટાફ દ્વારા કરવામાં આવેલી ડિલિવરી અને ડોક્ટર દ્વારા ફોન પર આપવામાં આવેલા નિર્દેશોના કારણે કથિત તબીબી બેદરકારીથી ૩૨ વર્ષીય મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયું છે.અયોધ્યામાં મંગળવારે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ કરી તપાસ શરૂ કરી છે.
બેનીગંજના રહેવાસી સુરેશ યાદવે જણાવ્યું કે, તેમની પત્ની સોની યાદવને પ્રસૂતિની પીડા ઉપડતા મા પરમેશ્વરી દેવી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં ફરજ પર હાજર ડોક્ટર અંજલિ શ્રીવાસ્તવે શરૂઆતમાં તેમને જાણ કરી હતી કે તેની હાલત સામાન્ય છે. ડિલિવરી સમયે ડોક્ટર હાજર નહોતા અને પ્રક્રિયા એક સ્ટાફ મેમ્બર દ્વારા કરાઈ હતી. પતિએ આક્ષેપ કર્યાે હતો કે ડિલિવરી દરમિયાન ડોક્ટર ફોન પર આ સ્ટાફને માર્ગદર્શન આપી રહ્યા હતા.
લગભગ અડધા કલાક પછી, સ્ટાફે બાળક સોંપ્યું અને કહ્યું કે તે શ્વાસ નથી લઈ રહ્યો. જ્યારે અમે નવજાતને નજીકના ડોક્ટર પાસે લઈ ગયા, ત્યારે તેને મૃત જાહેર કરાયો હતો. પાછા ફર્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે મારી પત્નીની તબિયત બગડી છે. ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેને પણ મૃત જાહેર કરવામાં આવી.પરિવારે હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ મુકતાં દાવો કર્યાે હતો કે ડિલિવરી દરમિયાન કોઈ લાયક ડોક્ટર હાજર નહોતા.
એડિશનલ ચીફ મેડિકલ ઓફિસર ડો. આશુતોષ શ્રીવાસ્તવના નેતૃત્વમાં આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોઈ ડોક્ટર કે પ્રશિક્ષિત મેડિકલ સ્ટાફ હાજર નહોતો.SS1MS
