Western Times News

Gujarati News

સુરત BJPના ગઢ ગણાતાં રાંદેર અને અઠવા ઝોનમાં ટિકિટ મેળવવા માટે જાણે હોડ જામી

સુરત મનપાની રાંદેર અને અઠવા ઝોન માટે ૧ર૦-૧૬૦થી વધુ દાવેદારોએ દાવા રજૂ કર્યા

AAP છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટરોએ પણ ફરી નસીબ અજમાવવા દાવેદારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત, સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ દિવસે જ વોર્ડ નંબર ૧ થી ૧ર ના ઉમેદવારો માટે કાર્યકરોનો ધસારો થઈ ગયો હતો.

આ પ્રક્રિયા દરમિયાન પક્ષના ગઢ ગણાતા વિસ્તારોમાં ટિકિટ મેળવવા માટે સરેરાશ ૧ર૦ થી ૧૬૦ જેટલા દાવેદારોએ દાવો રજૂ કર્યો છે, જયારે તેની સરખામણીએ સૌરાષ્ટ્રવાસી પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા મર્યાદિત જોવા મળી હતી.

તસવીરઃ ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના વોર્ડ નંબર-૧૬ (પુણા પશ્ચિમ) ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

પાલિકાની ચૂંટણી માટે ભાજપે ત્રણ દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. બુધવારે પ્રથમ દિવસે જટિલ ભૌગોલિક સ્થિતિ અને રાજકીય સમીકરણો ધરાવતા વોર્ડના કાર્યકરો નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા. રસપ્રદ વાત એ છે કે ભાજપ માટે સૌથી સુરક્ષિત ગણાતા રાંદેર અને અઠવા ઝોન જેવા વિસ્તારોમાં ટિકિટ મેળવવા માટે જાણે હોડ જામી છે. અહીના અમુક વોર્ડમાં તો ૧૬૦ જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રની વસ્તી ધરાવતા વોર્ડમાં દાવેદારોનો આંકડો માંડ ૩પ થી ૪૦ સુધી મર્યાદિત રહ્યો છે. આ દાવેદારોમાં માજી કોર્પોરેટરો, વરિષ્ઠ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરોનો પણ સમાવેશ થાય છે. વિશેષ કરીને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટરોએ પણ ફરી નસીબ અજમાવવા દાવેદારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

નિરીક્ષકો સમક્ષ ચાલી રહેલી આ પ્રક્રિયા આગામી ૩ એપ્રિલ સુધી ચાલશે, જેમાં શહેરના તમામ વોર્ડના દાવેદારોની વિગતો મેળવવામાં આવશે. આજે દાવેદારી નોંધાવ્યા બાદ કાર્યકરોએ પોતાના બાયોડેટા નિરીક્ષકોની સાથે સાથે સંગઠનના હોદ્દેદારોને પણ સોંપ્યા હતા અને પોતાની ભલામણો પહોંચાડવા માટે એડીચોટીનું જોશ લગાવ્યું હતું.

૧ર૦ બેઠકો માટે કુલ કેટલા દાવેદારો મેદાનમાં છે તેનો અંતિમ આંકડો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. જોકે પ્રથમ દિવસની ભીડ જોતા એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ભાજપ માટે ઉમેદવારોની પસંદગી કરવી એ કપરા ચઢાણ સમાન સાબિત થશે. પક્ષ દ્વારા તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ આખરી પેનલ તૈયાર કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.