Western Times News

Gujarati News

સુરતમાં ઝડપાયેલું ૧૪૦૦ કિલો પનીર બનાવવા ઔદ્યોગિક એસિડનો ઉપયોગ થયો હોવાનો રિપોર્ટ

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગત મહિને ઝડપાયેલા નકલી પનીરના કારખાનાનું પનીર બનાવવા ઇન્ડસ્ટ્રીયલ એસિડ ઉપયોગમાં લેવાતું હોવાનો ઘટસ્ફોટ લેબના રિપોર્ટમાં થયો છે.

ગત ૫ માર્ચના રોજ એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડીને પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ધમધમતા પનીર બનાવવાના કારખાનામાંથી ૧૪૦૧ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યાે હતો. લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયેલા આ નમૂનાઓનો રિપોર્ટ આવતા તેમાં પનીર ‘સબ-સ્ટાન્ડર્ડ’ અને માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર થતા તંત્ર દ્વારા કારખાનાના સંચાલક સામે ગુનો નોંધી ગાળિયો કસવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, કારખાનાના સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા અહીં દૂધનો ઉપયોગ કર્યા વિના માત્ર પામોલિન તેલ અને જોખમી ઇન્ડસ્ટ્રીયલ એસિડિક એસિડ જેવા કેમિકલ્સનું મિશ્રણ કરી દરરોજ અંદાજે ૪૦૦ કિલો જેટલું નકલી (એનાલોગ) એટલે કે સીધા શબ્દોમાં કૃત્રિમ પનીર તૈયાર કરવામાં આવતું હતું.

આ પનીર પર ‘નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીર’ના સ્ટીકરો લગાવીને શહેરની વિવિધ ડેરીઓમાં પ્રતિ કિલો ૨૨૦ રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૩.૮૦ લાખની કિંમતનું પનીર, પાશ્ચુરાઇઝ અને હોમોનાઈઝર જેવા ૨૫ લાખની કિંમતના આધુનિક મશીનો, પામોલિન તેલના ૧૬ ભરેલા ડબ્બા, એસિડિક એસિડ અને અંદાજે ૩૦૦૦ જેટલા નકલી સ્ટીકરો મળી કુલ ૨૮.૪૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.

આ સમગ્ર કૌભાંડ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સ્થળ પરથી મળેલા ૨૮ ખાલી ડબ્બા અને અન્ય પુરાવાએ સાબિત કર્યું છે કે અહીં મોટાપાયે તેલનો ઉપયોગ કરી નકલી પનીર બનાવવામાં આવતું હતું. પનીરને બ્રાન્ડેડ દેખાડવા માટે પ્લાસ્ટિકની કોથળીઓમાં પેકિંગ કરી ખાસ સ્ટીકરોનો ઉપયોગ થતો હતો.

હવે લેબોરેટરીના રિપોર્ટે બધી ગોલમાલને સ્પષ્ટ કરી દીધી છે. બીજી તરફ, આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે કે જે હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે ગ્રાહકોની જાણકારી માટે મેનુ કાર્ડ કે કાઉન્ટર પર ફરજિયાત બોર્ડ લગાવવું પડશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારા એકમો સામે સંસ્થા સીલ કરવાથી લઈને લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.