Western Times News

Gujarati News

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના આ નેતાની હત્યા પૂર્વ મુખ્યમંત્રીના પુત્રએ કરવા પાછળ શું કારણ હતું?

શરૂઆતમાં લૂંટ કે સામાન્ય ગુનો ગણાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે આ એક સુનિયોજિત રાજકીય કાવતરું હતું.

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના દીકરા અમિત જોગીને હાઈકોર્ટે હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યા-છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો ૨૩ વર્ષે હત્યાના કેસમાં દોષિત

રાયપુર,  છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના દીકરા અમિત જોગીને હાઈકોર્ટે ૨૩ વર્ષ જૂના હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો છે. અમિતને દોષિત ઠેરવતા હાઈકોર્ટે તેને સરેન્ડર કરવા માટે ૩ અઠવાડિયાનો સમય આપ્યો છે.

અમિત જોગી પર ૨૦૦૩માં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા રામ અવતાર જગ્ગીની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. અમિત જોગીએ આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારી સાથે અન્યાય થયો છે અને હું હવે સુપ્રીમ કોર્ટમાં જઈશ. Chhattisgarh high court convicts Amit Jogi of NCP leader Ramavatar Jaggi’s murder

આ મામલે છત્તીસગઢની એક ટ્રાયલ કોર્ટે અમિત જોગીને નિર્દોષ જાહેર કર્યો હતો. હાઈકોર્ટે  અપીલ પર સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ૨૦૦૩ના હત્યા કેસમાં કાર્યવાહી ફરીથી શરૂ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે ઘણા વિલંબ પછી આ અરજી દાખલ કરી છે, પરંતુ એ પણ સત્ય છે કે પ્રતિવાદી અમિત જોગી સામેના આરોપો ખૂબ ગંભીર છે. તેમના પર એક વિરોધી પાર્ટીના સભ્યની હત્યાનો આરોપ છે. ત્યારબાદ હાઈકોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં અમિત જોગીને દોષિત ઠેરવવામાં આવ્યો છે.

ગુરુવારે છત્તીસગઢ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ અરવિંદ કુમાર વર્માની બેન્ચે અમિત જોગીના નિર્દોષ છૂટવાના નિર્ણયને રદ કરતા દોષિત ઠેરવતા ત્રણ અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

છત્તીસગઢ હાઈકોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા અમિત જોગીએ કહ્યું કે, મારી સાથે અન્યાય થયો છે. પહેલા મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને હવે મારો પક્ષ સાંભળ્યા વિના જ મને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે. સત્યની જીત થશે અને હવે હું આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશ.

અમિત જોગીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, માનનીય હાઈકોર્ટે મારી વિરુદ્ધ અપીલને માત્ર ૪૦ મિનિટમાં સ્વીકારી લીધી, સુનાવણી તક આપ્યા વિના. મને દુઃખ છે કે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલ વ્યક્તિને સુનાવણીની એક પણ તક આપ્યા વિના દોષિત ઠેરવવામાં આવ્યો છે.

આ અણધાર્યું છે. કોર્ટે મને સરેન્ડર કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. મને લાગે છે કે મારી સાથે ગંભીર અન્યાય થયો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને સુપ્રીમ કોર્ટ તરફથી ચોક્કસ ન્યાય મળશે. મને ન્યાયિક પ્રણાલીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું સંપૂર્ણ શાંતિ, વિશ્વાસ અને ધીરજ સાથે આગળ વધી રહ્યો છું.’

રામ અવતાર જગ્ગી છત્તીસગઢના વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને વિદ્યાચરણ શુક્લ (V.C. Shukla) ના અત્યંત નજીકના સાથી હતા. વર્ષ ૨૦૦૩માં જ્યારે છત્તીસગઢમાં વિધાનસભાની પ્રથમ ચૂંટણીઓ યોજાવાની હતી, ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અજીત જોગી અને વિદ્યાચરણ શુક્લ વચ્ચે ભારે રાજકીય ખેંચતાણ ચાલતી હતી.

હત્યા પાછળ આ કારણો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે?

રાજકીય પ્રતિસ્પર્ધા અને વર્ચસ્વ: અજીત જોગી અને વિદ્યાચરણ શુક્લ વચ્ચે કોંગ્રેસમાં સત્તા માટે સંઘર્ષ હતો. રામ અવતાર જગ્ગી શુક્લના જમણા હાથ સમાન હતા. એવું માનવામાં આવે છે કે જગ્ગીની વધતી જતી રાજકીય તાકાત અને જોગી પરિવાર સામેના તેમના સખત વિરોધને કારણે તેઓ અજીત જોગી અને તેમના પુત્ર અમિત જોગીની નજરમાં ખટકી રહ્યા હતા.

પક્ષપલટો અને નારાજગી: ચૂંટણી પહેલા વિદ્યાચરણ શુક્લ કોંગ્રેસ છોડીને ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી’ (NCP) માં જોડાયા હતા. રામ અવતાર જગ્ગી પણ તેમની સાથે NCPમાં ગયા અને અજીત જોગીની સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. આ બાબતે જોગી પરિવારને રાજકીય રીતે નુકસાન પહોંચાડ્યું હતું.

વર્ષ ૨૦૦૩નો હત્યાકાંડ: ૪ જૂન, ૨૦૦૩ના રોજ રાયપુરમાં રામ અવતાર જગ્ગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં આને લૂંટ કે સામાન્ય ગુનો ગણાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે આ એક સુનિયોજિત રાજકીય કાવતરું હતું.

#Chhattisgarh #AmitJogi #AjitJogi #Jaggihatyakand #HighCourt #CourtVerdict


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.