Western Times News

Gujarati News

ગુજરાતમાં વાહનચાલકો બેફામઃ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનના ૯૫૯૭ બનાવ

ગાંધીનગર, ગુજરાતમાં બેફામ રીતે વાહન હંકારવા અને અકસ્માત કરીને ભાગી જવાના હિટ એન્ડ રનના વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં કુલ ૯૫૯૭ બનાવો નોંધાયા છે. રાજ્યમાં જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ વાહન બેદરકારીથી ચલાવવાના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે.સમગ્ર દેશમાં હિટ એન્ડ રનના માર્ગ અકસ્માતના બનાવોમાં ગુજરાત મોખરાનું રાજ્ય છે.

જેમાં સેંકડો વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે. લોકસભામાં સડક, પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યમાં બનેલા હિટ એન્ડ રનના બનાવોની અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં દર વર્ષે પોણા બે હજારથી વધુ હિટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે.

સમગ્ર દેશમાં આ પ્રકારના અકસ્માતમાં તમામ ૩૬ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૧૧મા સ્થાને છે. રાજ્યમાં ગૃહ વિભાગ અને રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા માર્ગ અકસ્માતના નિયંત્રણ માટે અનેક પગલા લેવાતા હોવાના દાવા છતાં હિટ એન્ડ રનના અકસ્માતના બનાવો બને છે.

આવા બનાવો સમગ્રતયા રોડની ડિઝાઇન, ટ્રાફિક નિયંત્રણ, નાના વાહનચાલકોની સુરક્ષામાં બેદરકારી અને બેફામ હંકારનારા ચાલકોને કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય તેના પણ સૂચક છે.હિટ એન્ડ રનના કિસ્સામાં વ્યક્તિના મૃત્યુ કે ઇજાના કિસ્સામાં તેમને વળતર આપવાની જોગવાઇ છે.

જેમાં મૃત્યુના કિસ્સામાં ૨ લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને દાવા બદલ ૫૦ હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવવાની જોગવાઇ છે. જો કે વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં આવો ફક્ત એક દાવો નોંધાયો હતો. ૨૦૨૩-૨૪માં ૧૮ દાવા સામે ૧૧માં વળતર ચૂકવાયું હતું. ૨૦૨૪-૨૫માં ૬૭૮ દાવા સામે ૩૫૦ અને ૨૦૨૫-૨૬ (ફેબ્›આરી સુધી)માં ૮૧૯ દાવા સામે ૭૨૦ કિસ્સામાં વળતર ચૂકવાયું હતું. જે હિટ એન્ડ રનના નોંધાતા બનાવોની સરખામણીમાં ખૂબ ઓછા દાવા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.