Western Times News

Gujarati News

ગુજરાતની આ પાલિકા જયાં ઉમેદવાર શોધવો ભાજપ માટે મોટી ચેલેન્જ

માળીયા નગર પાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે -મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી-કારણ કે વર્ષોથી કોંગ્રેસે સત્તા જમાવી છે

મોરબી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે.

આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો દીવો લઇને શોધવા નીકળવું પડે તેવું જાણવા મળી રહ્યું છે.

વિગતવાર વાત કરીએ તો, આ ચૂંટણીઓમાં મોરબી જિલ્લા માળીયા નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર દાવેદારી ન કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોની પડા પડી જોવા મળી રહી છે, પરંતુ મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી. જેથી ભાજપને અહીં એક ઉમેદવાર પણ શોધવો મોટી ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યો છે.

આ તરફ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી માટે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ભાજપમાં ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી છે, તો અમરેલીમાં પણ ૧૬૮૦ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેર તથા જીલ્લાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્ચા વ્યક્ત કરી છે.

જેની સરખામણી મોરબીની માળીયા પાલિકામાં એક ઉલટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ દોડતા થયા છે અને આ નગરપાલિકા માટે ઉમેદવાનોને શોધવા નિકળી પડ્યા છે.

મળતી માહિતી અનુસાર, માળીયાનગર પાલિકામાં ૬ વોર્ડ અને ૨૪ બેઠકો આવેલી છે અને વર્ષોથી અહીં કોંગ્રેસ સત્તા જમાવીને બેઠી છે. આ કારણથી અન્ય કોઈ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે લોકો અચકાઈ રહ્યા છે.

માત્ર ભાજપમાંથી જ નહીં પરંતુ અન્ય કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારો કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાનું પસંદ કરી રહ્યા નથી. જોકે અન્ય જગ્યાઓએ ભાજપની ટિકિટ મેળવવા લોકોની પડાપડી જોવા મળી રહી છે, જે આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં એક પણ ઉમેદવાર ન નોંધાતા આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

માળીયા મહાનગરન પાલિકાની ચૂંટણી માટે ભાજપે ભાજપ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. એમાં પાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકો પર કોઈ ઉમેદવાર તરીકે સેન્સના ફોર્મ ભરવા જ આવ્યું નથી. જેથી આ માટે મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં હાલ દોડધામ મચી છે.

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ માળીયા નગરપાલિકા બેઠક પર દાવેદારો મળે તે માટે અનેક પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે, ભાજપ માળીયા નગરપાલિકામાં પોતાના ઉમદેવારો ઉતારી શકે છે કે કેમ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.