Western Times News

Gujarati News

25 કરોડના સોનાની બિહારમાં લૂંટઃ રાજકોટના વેપારીના બે કર્મચારીને નકલી પોલીસે લૂંટ્યા

પટના રેલવે સ્‍ટેશનથી તેઓ ઓટો-રિક્ષામાં બેસીને બાકરગંજ તરફ જઈ રહ્યા હતા ત્યારે નકલી પોલીસ બની લૂંટી લીધા

રાજકોટ, બિહારના દાનાપુર (પટના) નજીક ખગૌલ ઓવરબ્રિજ પાસે રાજકોટના એક સોનાના વેપારીના બે કર્મચારીઓ પાસેથી રૂપિયા ૨૫ કરોડની કિમતનું ૧૭ કિલો સોનું લૂંટાઈ ગયું છે. ગુનેગારોએ પોલીસનું સ્‍ટીકર લાગેલી કારમાં આવી, કસ્‍ટમ અધિકારી હોવાની ઓળખ આપીને ફિલ્‍મી ઢબે આ લૂંટ ચલાવી હતી.

લૂંટારુઓએ કર્મચારીઓનું અપહરણ કરી, આંખે પાટા બાંધી તેમને નિર્જન રસ્‍તા પર છોડી દીધા હતા. પોલીસે નકલી નંબર પ્‍લેટવાળી કાર જપ્ત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બિહારના પાટનગર પટના નજીક આવેલા દાનાપુરમાં ખગૌલ પોલીસ મથક વિસ્‍તારમાં ફિલ્‍મી ઢબે એક અત્‍યંત ચોંકાવનારી ૨૫ કરોડ રૂપિયાના સોનાની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ભોગ બનનાર રાજકોટના જ્‍વેલર હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

લૂંટારુઓએ અસલી કસ્‍ટમ અધિકારીઓ જેવો જ વેશ ધારણ કરી, અત્‍યંત સિફતપૂર્વક આખી ઘટનાને અંજામ આપ્‍યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના સોનાના વેપારી સુનીલભાઈના બે કર્મચારીઓ – મહેશ મામતોરા અને પ્રિન્‍સ રામપરિયા અમદાવાદથી ‘સહરસા એક્‍સપ્રેસ’ ટ્રેનમાં દાનાપુર રેલવે સ્‍ટેશન પહોંચ્‍યા હતા. તેઓ પોતાની સાથે સોનાના દાગીના ભરેલી ૩ બેગ લઈને જઈ રહ્યા હતા.

મુખ્ય મુદ્દા:

  • લૂંટમાં ૫ થી ૭ શખ્સો સામેલ હતા.
  • તેઓએ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેરી, કસ્ટમ અધિકારી જેવા વેશ ધારણ કર્યો હતો.
  • ત્રણ બેગમાં રહેલું સોનું કબજે કરી લીધું.
  • પીડિતોને નૌબતપુર રોડ પર છોડી દેવામાં આવ્યા.
  • પોલીસને નકલી નંબર પ્લેટવાળી કાર મળી આવી છે, ચેસીસ નંબર પરથી માલિકની શોધખોળ ચાલી રહી છે.
  • દાનાપુર સ્ટેશનના CCTV ફૂટેજમાં દેખાય છે કે શંકાસ્પદ લોકો કર્મચારીઓનો પીછો કરી રહ્યા હતા.
  • રાજકોટના વેપારી સુનીલભાઈએ પટના પહોંચી ફરિયાદ નોંધાવી છે.

રેલવે સ્‍ટેશનથી તેઓ ઓટો-રિક્ષામાં બેસીને બાકરગંજ તરફ જઈ રહ્યા હતા. જ્‍યારે તેમની ઓટો-રિક્ષા ખગૌલ ઓવરબ્રિજ પાસે પહોંચી, ત્‍યારે ૫ થી ૭ અજાણ્‍યા શખ્‍સોએ તેમને આંતર્યા હતા.

આ બદમાશો એક કાર અને બે મોટરસાઈકલ પર આવ્‍યા હતા. તેમની કાર પર ‘પોલીસ’ લખેલું સ્‍ટીકર લગાડેલું હતું. ગુનેગારોએ સફેદ શર્ટ અને ખાખી પેન્‍ટ પહેર્યા હતા, જેથી તેઓ બિલકુલ કસ્‍ટમ વિભાગના અધિકારીઓ જેવા લાગી રહ્યા હતા. આ શખ્‍સોએ રિક્ષા રોકાવીને પોતાને કસ્‍ટમ અધિકારી તરીકે ઓળખાવ્‍યા હતા અને તપાસના બહાને સોનાથી ભરેલી ત્રણેય બેગ કબજે કરી લીધી હતી. ત્‍યારબાદ તેઓએ મહેશ મામતોરાને પોતાની કારમાં બળજબરીથી બેસાડી દીધો હતો.

પ્રિન્‍સના જણાવ્‍યા મુજબ, બદમાશોનો વર્તાવ એટલો વ્‍યાવસાયિક હતો કે શરૂઆતમાં તેમને ખરેખર એવું જ લાગ્‍યું કે આ અસલી અધિકારીઓ જ છે. કારમાં બેસાડ્‍યા બાદ લૂંટારુઓએ મહેશની આંખે પાટા બાંધી દીધા હતા અને તેને બાંધી દીધો હતો.

લૂંટ ચલાવ્‍યા બાદ ગુનેગારોએ બંને પીડિતોને નૌબતપુર રોડ પર એક નિર્જન સ્‍થળે છોડી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ખગૌલ પોલીસ અને સ્‍પેશિયલ ટાસ્‍ક ફોર્સ (એસટીએફ) કામે લાગી ગઈ છે. પોલીસે ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી લીધી છે, જેના પર નકલી રજિસ્‍ટ્રેશન નંબર હતો. હવે પોલીસ ચેસીસ નંબરના આધારે કારના માલિકની શોધખોળ કરી રહી છે.

દાનાપુર સ્‍ટેશનના સીસીટીવી ફૂટેજમાં સ્‍પષ્ટ દેખાય છે કે જ્‍યારથી કર્મચારીઓ સ્‍ટેશન પર ઉતર્યા ત્‍યારથી જ શંકાસ્‍પદ લોકો તેમનો પીછો કરી રહ્યા હતા. દાનાપુરના ઉચ્‍ચ પોલીસ અધિકારી શિવમ ધાકડના જણાવ્‍યા અનુસાર, અજાણ્‍યા ગુનેગારો સામે છેતરપિડી અને લૂંટનો ગુનો નોંધવામાં આવ્‍યો છે.

રાજકોટના વેપારી સુનીલભાઈ પટના પહોંચી ગયા છે અને તેમણે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસ અત્‍યારે અલગ અલગ ટીમ બનાવીને ગુનેગારોને પકડી પાડવા માટે સઘન તપાસ કરી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.