નેપાળમાં શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં હવે સપ્તાહમાં બે દિવસ રજા
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે નેપાળમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૨૦૨
નેપાળી રૂપિયા અને ડીઝલ-કેરોસીનના ભાવ ૧૮૨ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા
કાઠમાંડુ,પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા ગંભીર ઈંધણ સંકટ વચ્ચે નેપાળ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશમાં હવે રવિવારની સાથે શનિવારે પણ જાહેર રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન બાલેન શાહની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે, જેના અંતર્ગત હવે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે.
નેપાળ સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલના જણાવ્યા અનુસાર, આગામી ૬ એપ્રિલથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ આ નવા શિડ્યુલનું પાલન કરશે. આ પગલાનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલની બચત કરવાનો છે. રજાના દિવસો વધારવાની સાથે જ કામકાજના દિવસોમાં કચેરીઓનો સમય સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ખોરવાતા નેપાળમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૨૦૨ નેપાળી રૂપિયા અને ડીઝલ-કેરોસીનના ભાવ ૧૮૨ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર પેટ્રોલ-ડીઝલના વાહનોને ઈલેક્ટ્રિક વાહનોમાં બદલવા માટે જરૂરી કાયદાકીય માળખું પણ તૈયાર કરી રહી છે, જેથી દેશને ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ લઈ જઈ શકાય.SS1
