મણિપુરમાં ઉગ્રવાદીઓના હુમલામાં બે બાળકોના મોતથી હિંસા ફાટી નીકળી
ઈમ્ફાલ, મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગ ત્રોંગલાઓબી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ઉગ્રવાદીઓએ એક ઘર પર બોમ્બ ફેંક્યો હતો. આ હુમલામાં પાંચ વર્ષના એક છોકરા અને છ મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે ઘરમાં બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે બાળકો તેમની માતા સાથે બેડરૂમમાં સૂતા હતા.
આ ઘટનામાં માતા પણ ઘાયલ થઈ છે.સ્થાનિક લોકોએ આ ઘટનાના વિરોધમાં મંગળવારે સવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે બે ઓઈલ ટેન્કર અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. તેમણે મોઈરાંગ પોલીસ સ્ટેશનની સામે ટાયર સળગાવ્યા અને એક પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી.ઉશ્કેરાયેલા ટોળાએ ઘટનાસ્થળથી ૧૦૦ મીટર દૂર આવેલા સીઆરપીએફ કેમ્પ પર પણ હુમલો કર્યાે હતો.
વળતા ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મણિપુર સરકારે વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈમ્ફાલ વેસ્ટ, ઈમ્ફાલ ઈસ્ટ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ઇન્ટરનેટ અને મોબાઈલ ડેટા સર્વિસ ૩ દિવસ માટે બંધ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં મે ૨૦૨૩માં મૈતેઈ અને કુકી-જો સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી હતી.SS1MS
