Western Times News

Gujarati News

૩ રાજ્યની સરહદે આવેલા ગુજરાતના એક માત્ર ગામે કર્યો ચૂંટણી બહિષ્કાર!

(એજન્સી)છોટાઉદેપુર, જિલ્લાના સરહદી હાંફેશ્વર ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષો સુધી રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા ગ્રામજનો હવે ચૂંટણીનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે. “રોડ નહીં તો વોટ નહીં” ના સૂત્ર સાથે ગામના લોકોએ તંત્ર સામે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ હાંફેશ્વર ગામ આજે બે ભાગમાં વહેંચાયેલું છે. ગામની વચ્ચે પસાર થતી નદીના કારણે એક ભાગ વિકાસનો લાભ લઈ રહ્યો છે તો બીજો ભાગ આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આ ગામને “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”માં હેરીટેજ કેટેગરીનો એવોર્ડ મળ્યો હતો.

પરંતુ આ જ ગામનો બીજો ભાગ હજુ પણ રસ્તા અને પુલની માંગ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ગામના લોકોનું એ પણ કહેવું છે કે પ્રવાસન વિભાગ દ્વારા ગામના એક ભાગને વિકસાવવા માટે ૧૦ કરોડ ફાળવ્યા છે. ત્યારે આ ગામના એક વિસ્તારમાં રહેતા લોકો માટે અન્યાય કેમ? પાકા રોડ રસ્તાના અભાવે ગામના લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ વ્યક્તિ બીમાર પડે તો ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી.

ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જતા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની જાય છે. વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું જોખમી બની જાય છે. ખાસ કરીને પ્રાથમિક શાળાના ૧૨૮ વિદ્યાર્થીઓમાંથી લગભગ ૬૦ બાળકો નદી પાર કરીને અભ્યાસ માટે આવે છે, જે તેમના માટે જીવના જોખમ સમાન છે. વર્ષોથી તંત્ર અને નેતાઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

જેના કારણે હવે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે અને “રોડ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જિલ્લા પંચાયતના અધિકારીઓનું કહેવું છે કે રસ્તો મંજૂર થઈ ગયો છે, પરંતુ જમીન વન વિભાગની હોવાથી મંજૂરીની પ્રક્રિયા બાકી છે. મંજૂરી મળ્યા બાદ જ કામ શરૂ થશે. જોકે, આ પ્રક્રિયા ક્્યારે પૂર્ણ થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે.

હાલ તો હાંફેશ્વર ગામના લોકોનો તંત્ર પરનો વિશ્વાસ ડગમગી ગયો છે અને તેઓ ચૂંટણી બહિષ્કાર પર અડગ છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવે છે કે પછી ગ્રામજનોનો આ વિરોધ વધુ ઉગ્ર બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.