Western Times News

Gujarati News

નવકાર મહામંત્ર આપણા ચૈતન્યને જાગૃત કરે છે અને શુભ સંકલ્પોને બળ આપી જીવનને ઉર્ધ્વગતિ પ્રદાન કરે છેઃ અમિત શાહ

વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

અમદાવાદ, ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ નિમિત્તે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે સામૂહિક નવકાર જાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આયોજિત સામૂહિક નવકાર જાપ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સામૂહિક નવકાર જાપ કાર્યક્રમમાં જોડાઈને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વિશ્વશાંતિ માટે આહવાન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ સંઘર્ષના માર્ગે છે, ત્યારે ૯મી એપ્રિલના રોજ સામૂહિક નવકાર મંત્રના જાપ દ્વારા શાંતિનો સંદેશ ફેલાવવાનું જીતોનું આ કાર્ય અત્યંત પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે નવકાર મંત્ર એ માત્ર ધાર્મિક મંત્ર નથી, પરંતુ એક નિરાકાર, નિરપેક્ષ અને સાર્વભૌમિક પ્રાર્થના છે, જે કોઈપણ જાતિ, ક્ષેત્ર કે ધર્મના ભેદભાવ વિના સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના જગાડે છે.

યુવા પેઢીને મંત્રશક્તિનું મહત્વ સમજાવતા શ્રી શાહે જણાવ્યું હતું કે, મંત્ર આપણા ચૈતન્યને જાગૃત કરે છે અને શુભ સંકલ્પોને બળ આપી જીવનને ઉર્ધ્વગતિ પ્રદાન કરે છે. આજના તર્કપ્રધાન યુવાનોને ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, જેવી રીતે દવાની જૈવિક પ્રક્રિયા જાણ્યા વગર પણ તે રોગ મટાડવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે નવકાર મંત્રનું શ્રદ્ધાપૂર્વકનું રટણ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિવર્તન લાવે છે. આ મહામંત્રમાં રહેલા ‘નમો’ શબ્દનો અર્થ વિશુદ્ધ સમર્પણ છે, જે મનુષ્યના અહંકારને ઓગાળીને તેને આંતરિક શત્રુઓ પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.

ગૃહ મંત્રીશ્રીએ પંચ પરમેષ્ઠીના મહિમાનું વર્ણન કરતા કહ્યું હતું કે, નવકાર મંત્ર એ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પાંચ પરમેષ્ઠીઓના ૧૦૮ ગુણોને વંદન કરવાનો માર્ગ છે. આ મંત્ર આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય મેળવવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કરોડો લોકો દ્વારા કરવામાં આવતા આ સામૂહિક નવકાર જાપથી વાતાવરણની શુદ્ધિ થશે, મનના વિકારો શાંત થશે અને પરસ્પર સમજણની શક્તિ વધશે. જીતો દ્વારા આ મંત્રને નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસો આવનારી પેઢીના જીવનને દિવ્ય બનાવવામાં મોટું યોગદાન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે જીતો દ્વારા સામૂહિક નવકાર જાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશમાંથી જૈન સમુદાયે સહભાગી થઈને સામૂહિક નવકાર મંત્રજાપ કર્યો હતો. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ સહિત વિવિધ ઉપાશ્રયોમાંથી જૈન સમુદાયના લોકો આ સામૂહિક નવકાર મંત્ર જાપમાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ આૅર્ગેનાઈઝેશને ત્નૈં્‌ર્ં દ્વારા વિશ્વકલ્યાણ, અહિંસા, સદભાવના અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રસાર માટે આયોજિત સામૂહિક નવકાર જાપ કાર્યક્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

સંસ્થાના પદાધિકારીઓ/હોદ્દેદારો આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. સૌએ નવકાર મંત્રના આધ્યાત્મિક મહત્વ અને સામાજીક એકતા, સંસ્કાર અને સદભાવના વધારવા માટે નવકાર જાપનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ત્નૈં્‌ર્ં(જીતો)ના વિવિધ સમાજલક્ષી કાર્યો વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.

GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત સામૂહિક નવકાર જાપ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન તથા ત્નૈં્‌ર્ં(જીતો) અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓના પદાધિકારીઓ, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.