મંદિરોમાં પ્રવેશમાં કોઇ પંથની બાદબાકીથી હિન્દુ ધર્મને નુકસાનઃ સુપ્રીમ
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મુદ્દાની સુનાવણી
જો મંદિરો ફક્ત પોતાના પંથ માટે જ હોય તો તેઓ રાજ્ય, ખાનગી દાતાઓ અથવા સામાન્ય જનતા પાસેથી ફંડ મેળવી શકે નહીં ઃ વૈદ્યનાથ
નવી દિલ્હી, કેરળના સબરીમાલા મંદિર સહિતના ધાર્મિક સ્થળોમાં મહિલાઓ સાથેના ભેદભાવના મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે દરેકને બધા મંદિરો અને મઠમાં પ્રવેશ મળવો જોઈએ અને કોઈ પણ સંપ્રદાયને બાકાત રાખવાથી હિન્દુ ધર્મ પર નકારાત્મક અસર પડશે અને સમાજમાં વિભાજન થશે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના વડપણ હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે આ અવલોકન કર્યા હતાં. ખંડપીઠ ધાર્મિક સ્વતંત્રતાની વ્યાપકતા અને સીમાઓ પર પણ સુનાવણી કરી રહી છે.
નાયર સર્વિસ સોસાયટી, અયપ્પા સેવા સમાજમાં અને ક્ષેત્ર સંરક્ષણ સમિતિ જેવા સંગઠનો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી એસ વૈદ્યનાથને રજૂઆત કરી હતી કે કોઇ વિશેષ સંપ્રદાયનું મંદિર પરવાનગીના અધિકારો આપી શકે છે અને પૂજા કરી શકે છે અથવા તેને ફક્ત સંપ્રદાય સુધી મર્યાદિત કરી શકે છે. આ સમયે ન્યાયમૂર્તિ બી વી નાગરત્નાએ જણાવ્યું હતું કે એક ચિંતા છે કે જો તમે પ્રવેશનો અધિકાર એવી રીતે આપો કે અન્ય પંથના લોકોને બહાર રાખવામાં આવે તો તે હિંદુ ધર્મ પર નકારાત્મક અસર કરશે. દરેક વ્યક્તિને દરેક મંદિર અને મઠમાં પ્રવેશ મળવો જોઈએ.
સબરીમાલા વિવાદને બાજુ પર રાખીએ તો પણ, જો તમે કહો કે આ એક ધાર્મિક પ્રથા છે અને તેમાં હું અન્ય લોકોને બહાર રાખીશ અને ફક્ત મારા પંથના લોકો જ મંદિરમાં આવશે, તો તે હિંદુ ધર્મ માટે યોગ્ય નથી. ધર્મને નુકસાન ન થાય તે જોવું જોઈએ. આ પંથ માટે પણ પ્રતિકૂળ સાબિત થશે.આ અભિપ્રાય સાથે સહમત થઈને ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે કહ્યું હતું કે આવી બહિષ્કાર પ્રથા સમાજમાં વિભાજન લાવશે.વૈદ્યનાથને દલીલ કરી કે જો મંદિરો ફક્ત પોતાના પંથ માટે જ હોય તો તેઓ રાજ્ય, ખાનગી દાતાઓ અથવા સામાન્ય જનતા પાસેથી ફંડ મેળવી શકે નહીં, કારણ કે તેઓ તેમના પર આધાર રાખતા નથી. જો કોઈ કાયદો બનાવવો હોય તો તે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અથવા આરોગ્યના માપદંડો પર ખરો ઉતરવો જોઈએ.
વેંકટરામન દેવરુ કેમાં સર્વાેચ્ચ અદાલતે મદ્રાસ ટેમ્પલ એન્ટ્રી ઓથોરાઈઝેશન એક્ટને માન્ય રાખ્યો હતો અને જણાવ્યું હતું કે મંદિર તમામ હિંદુઓ માટે ખુલ્લું રહેશે, પરંતુ કેટલીક ધાર્મિક વિધિઓ ગૌડા સારસ્વત બ્રાહ્મણો માટે અનામત રાખવી બંધારણીય રીતે માન્ય છે.સપ્ટેમ્બર ૨૦૧૮માં પાંચ ન્યાયાધીશોની બેન્ચે ૪ઃ૧ના બહુમતી ચુકાદાથી ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓ પરના સબરીમાલા મંદિરમાં પ્રવેશ પરનો પ્રતિબંધ દૂર કર્યાે હતો અને તેને ગેરબંધારણીય જાહેર કર્યાે હતો. આ પછી ૧૪ નવેમ્બર ૨૦૧૯એ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈૈની અધ્યક્ષતામાં બીજી પાંચ ન્યાયાધીશોની બેન્ચે ૩ઃ૨ના બહુમતીના નિર્ણયથી મહિલાઓ સામેના ભેદભાવના મુદ્દાને મોટી ખંડપીઠને સોંપ્યો હતો.SS1
