Western Times News

Gujarati News

બાયડના લાંક વિસ્તારમાં BJPમાં ગાબડુંઃ ૨૦૦થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંક તાલુકા પંચાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્‌યો છે. ભાજપની નીતિઓથી નારાજ થઈને અને કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકીને દેસાઈપુરાકંપા ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત ૨૦૦ થી વધુ સક્રિય આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આ પક્ષ પરિવર્તન થયું હતું. જેમાં દેસાઈપુરા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ દિપેશભાઈ પટેલ, લાંકના પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા , કેસરીસિંહ ઝાલા, ભેમસિંહ ઝાલા, શનસિંહ ઝાલા,મહેશ ઝાલા તથા મોહનજી રાઠોડ સહિતના ૨૦૦ થી વધુ કાર્યકરોએ કેસરીયો ત્યાગી કોંગ્રેસનો પંજો પકડ્‌યો હતો. તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશસિંહ, અશોકસિંહ, બક્ષીપંચ સેલના પ્રમુખ રાજેશસિંહ ઝાલા, હિતેન્દ્રભાઈ પટેલ, માનવેન્દ્રસિંહ સોલંકી અને યોગેન્દ્રસિંહ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ અને પાયાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે, જેનાથી પક્ષને આ વિસ્તારમાં નવી મજબૂતી મળી છે.

આગામી દિવસોમાં આ વિસ્તારના પડતર પ્રશ્નો અને જનતાની સમસ્યાઓને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ આ તમામ આગેવાનો સાથે મળીને મજબૂતાઈથી લડત આપશે. સરપંચ અને અન્ય હોદ્દેદારોના આ પક્ષ પરિવર્તનને કારણે બાયડ તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.