સાણંદ-ધોલેરામાં નિર્માણ થશે ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક
રાજ્યમાં સેમિકન્ડક્ટર-ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો-EV-રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈનથી પ્રોડક્શન ઈકોસિસ્ટમ સંગીન બનાવતું વધુ એક મહત્વપૂર્ણ કદમ
સેમિકન્ડક્ટર હબ બનવાની ગુજરાતની યાત્રાને વેગ મળશે -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ તથા એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ. સંપન્ન
ભારત-ગુજરાત અને તાઈવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગ મજબૂત બનાવીને રૂ. 1000 કરોડથી વધુનું ડાયરેક્ટ FDI અને અંદાજે 12000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક
અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ઈન્ડીયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહિને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે.

ગુજરાત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પેટેલના નેતૃત્વમાં તેને વધુ ગતિ આપવા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક એમ.ઓ.યુ. શુક્રવારે કરવામાં આવ્યા હતા.
એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની (Allegiance International Co., Ltd.) એ તાઈવાનની એક અગ્રણી ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ કંપની છે. તે મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ અને હાઈ-ટેક ઘટકોના ક્ષેત્રમાં કામ કરે છે.
૧. કંપની શું બનાવે છે? (Products & Services)
એલિજિયન્સ ઈન્ટરનેશનલ માત્ર એક વસ્તુ નથી બનાવતી, પરંતુ તે ‘ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ’ (ODM) અને ‘એસેમ્બલી’ ક્ષેત્રે વિશાળ શ્રેણી ધરાવે છે:
-
સેમિકન્ડક્ટર સંબંધિત ઘટકો: ચિપસેટ માટે જરૂરી પેરિફેરલ્સ અને માઇક્રો-કમ્પોનન્ટ્સ.
-
PCB (Printed Circuit Boards): લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતા મધરબોર્ડ અને સર્કિટ બોર્ડ.
-
ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર ગુડ્સ: સ્માર્ટ હોમ ડિવાઇસ, ઓડિયો ઇક્વિપમેન્ટ અને કમ્પ્યુટર હાર્ડવેર.
-
ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પાર્ટ્સ: ઈવી માટેના કંટ્રોલર્સ, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (BMS) અને પાવર મોડ્યુલ્સ.
-
રોબોટિક્સ અને ઓટોમેશન: ઔદ્યોગિક એકમોમાં વપરાતા સેન્સર્સ અને ઓટોમેશન કંટ્રોલ પેનલ્સ.
૨. વિશ્વમાં ક્યાં સપ્લાય કરે છે? (Global Supply Network)
તાઈવાન સ્થિત આ કંપનીનું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે:
-
ઉત્તર અમેરિકા (USA & Canada): અમેરિકાની મોટી ટેકનોલોજી કંપનીઓને હાર્ડવેર પાર્ટ્સ અને એસેમ્બલી સોલ્યુશન્સ સપ્લાય કરે છે.
-
યુરોપ: જર્મની અને યુકે જેવા દેશોમાં ઓટોમોબાઈલ (વાહન ઉદ્યોગ) અને ઇન્ડસ્ટ્રિયલ ઇલેક્ટ્રોનિક્સ માટે સપ્લાય કરે છે.
-
એશિયા-પેસિફિક: જાપાન, દક્ષિણ કોરિયા અને વિયેતનામમાં ઇલેક્ટ્રોનિક ઘટકો પૂરા પાડે છે.
-
ભારત (સૌથી મોટું ઉભરતું કેન્દ્ર): હાલમાં કંપની ભારતને તેના મુખ્ય મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય હબ તરીકે જોઈ રહી છે. ગુજરાતમાં સાણંદ અને ધોલેરા ખાતે તેઓ જે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવી રહ્યા છે, ત્યાંથી તેઓ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ઉત્પાદન કરીને તેને વિશ્વભરમાં નિકાસ (Export) કરવાનું આયોજન ધરાવે છે.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ભારતમાં તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને એલિજિયન્સ ગૃપના ચેરમેન શ્રી સીમોન લીના તથા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ શ્રીમતી પી.ભારથીએ હસ્તાક્ષર કર્યા હતા.
આ એમ.ઓ.યુ. અન્વયે મેસર્સ એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ભારતમાં કામગીરી સ્થાપિત કરવા માંગતા ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગને મજબૂત બનાવશે.
આ માટે સાણંદ-ધોલેરામાં ઈન્ડો તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી રૂ. 1,000 કરોડથી વધુના વિદેશી સીધા પ્રસ્તાવિત મૂડી-રોકાણ (FDI)નો અને પાંચ વર્ષના સમયમાં લગભગ 12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
આના પરિણામે સેમિકન્ડક્ટર અને તેના આનુષંગિક ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓને સેવા આપવા માટે તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ વધુ સુદ્રઢ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે.
આ એમ.ઓ.યુ. સાઈનિંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટર સુશ્રી નેહા કુમારી અને તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
