Western Times News

Gujarati News

PIL સિસ્ટમનો અંત જરૂરી, સુપ્રીમમાં કેન્દ્ર સરકારની રજૂઆત

વર્તમાનમાં જાહેર હિતની અરજીઓનો દુરુપયોગ વધુ થઈ રહ્યો છેઃ સોલિસિટર જનરલ

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજીઓ (PIL)ના માળખાની સમીક્ષા કરવા અને તેનો સંપૂર્ણ અંત લાવવા રજૂઆત કરી છે. સરકારે દલીલ કરી હતી કે, જે હેતુ સાથે PILની શરૂઆત કરવામાં આવી હતી, તે હવે મહદઅંશે પૂરો થઈ ગયો છે.

વર્તમાનમાં તેનો દુરુપયોગ વધારે થઈ રહ્યો છે. હાલના સમયમાં ન્યાય વ્યવસ્થા વધારે પારદર્શક અને સુલભ થઈ હોવાથી PILની જરૂરિયાત રહેતી નથી. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ચીફ જસ્ટિસ સૂર્યકાંતના વડપણ હેઠળની ૯ જજની બંધારણીય બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે, સામાજિક અથવા આર્થિક રીતે નબળા વર્ગ માટે PILની શરૂઆત કરવામાં આવી હતી.

ગરીબી, નિરક્ષરતા, વિકલાંગતા અથવા સામાજિક બહિષ્કાર જેવા કારણોસર ન્યાય માટે કોર્ટ સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તેવા નાગરિકોના હક માટે ત્રીજી વ્યક્તિ અથવા સંસ્થાને કોર્ટમાં અરજી દાખલ કરવામાં મદદ મળે તે હેતુથી PILની શરૂઆત થઈ હતી.

બંધુઓ મુક્તિ મોર્ચા વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આ સિસ્ટમ મદદરૂપ પણ થઈ હતી. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ લેખિત અને મૌખિક રજૂઆતમાં દલીલ કરી હતી કે, દેશમાં છેલ્લા પાંચ દશક દરમિયાન સ્થિતિ ઘણી બદલાઈ છે અને તેના કારણે PILની જરૂરિયાત યથાર્થ ઠેરવતા સંજોગોમાં પણ ફેરફાર થયો છે. વર્તમાન સમયને ધ્યાને રાખી PIL સિસ્ટમમાં માત્ર ફેરફાર કરવાના બદલે તેનો સંપૂર્ણ અંત લાવી દેવો જોઈએ.

રાષ્ટ્રીય કાનૂની સેવા મંડળ અને જિલ્લા કાનૂની સેવા મંડળ જેવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદને મફત કાનૂની સલાહ અને સહાય આપવામાં આવે છે. ઈ-ફાઈલિંગના માધ્યમથી કોર્ટ સુધી પહોંચવાનું સરળ થયું છે અને કોર્ટને સીધો પત્ર પાઠવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેથી ત્રીજા પક્ષના પ્રતિનિધિત્વની કોઈ જરૂરિયાત રહી નથી.

વર્તમાન સમયમાં દાખલ કરાતી મોટા ભાગની PIL સ્પોન્સર્ડ જેવી હોય છે. પડદા પાછળથી કોઈ અન્ય વ્યક્તિ તેને નિયંત્રિત કરે છે અને તેથી આવી અરજીઓ પર વિચારણા થવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટના ૯ જજની બેન્ચ સબરીમાલા કેસમાં પુનઃવિચાર દરમિયાન બહાર આવેલા એક રેફરન્સની સુનાવણી કરી રહી છે. કોર્ટ સમક્ષ એક મહત્ત્વનો સવાલ એ પણ છે કે, વિશેષ ધાર્મિક સમૂહનો ભાગ ન હોય તેવી વ્યક્તિ સંબંધિત ધાર્મિક પરંપરાઓને પડકારી શકે ખરી?

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.