Western Times News

Gujarati News

જંગલને “ટેક્ષ” આપવાના વિશ્વમાં અનોખા અને નવતર પ્રયોગ સ્વરૂપે ૨૦૦ કિલો વનસ્પતિના બીજનો વ્યાપક છંટકાવ

ઉત્તર ગુજરાત અરવલ્લી વન સંપદા અને પર્યાવરણ ગ્રુપ દ્વારા માઉન્ટ આબુ ખાતે પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

પાલનપુર, તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૬,  ડીસાના પ્રસિદ્ધ વૈદ્ય શ્રી જીતુભાઈ પટેલ તથા તેમના ૧૦ જેટલા પ્રકૃતિ પ્રેમી સાથીઓના સહયોગથી ઉત્તર ગુજરાત અરવલ્લી વનસંપદા અને પર્યાવરણ ગ્રુપ દ્વારા “ચાલો પર્વતોની અનમોલ સૃષ્ટિને ઓળખીએ” એવા પ્રેરક સૂત્રને સાર્થક કરતી બે દિવસીય પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિર તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે તા. ૪ અને ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાઈ ગઈ હતી.

રાજ્યભરમાંથી વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા આશરે ૭૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓએ આ શિબિરમાં હોંશભેર ભાગ લીધો હતો. અરવલ્લી પર્વતમાળાને ધ્યાનમાં રાખીને આ સ્થળને વિશેષ રીતે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે માઉન્ટ આબુ વિસ્તાર અનેક દુર્લભ તથા ઔષધીય વનસ્પતિઓથી સમૃદ્ધ વિસ્તાર છે. શિબિર દરમિયાન ભાગીદારોએ જંગલમાં પગપાળા ટ્રેકિંગ કરીને વિવિધ વનસ્પતિ, ઝાડ, પાન અને ઔષધીય જડીબુટ્ટીઓનો પરિચય મેળવ્યો હતો.

શિબિરના મુખ્ય આયોજક અને ગ્રુપના અગ્રણી શ્રી વૈદ્ય જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે,  “પ્રકૃતિ એ આપણી રાષ્ટ્રીય સંપદા છે. તેનું જતન અને સંવર્ધન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. જો અત્યારે આપણે આ સંપદાનું સંરક્ષણ નહીં કરીએ તો ભાવિ પેઢીને આપણે શું જવાબ આપીશું? આપણી ભાવિ પેઢી માટે આ સંપદાને જીવંત રાખવાનો પ્રયાસ કરવાનો છે. આપણા જંગલો, નદીઓ, વૃક્ષો અને તમામ વનસ્પતિ એ જ આપણી પ્રકૃતિ છે.”

શિબિરમાં સૌથી વિશેષ અને નવતર પ્રયોગ તરીકે જંગલને “ટેક્ષ” આપવાની અનોખી વિભાવના અમલમાં મૂકવામાં આવી હતી.


પ્રકૃતિ પ્રેમી શ્રી મુળુભાઈ ડોડીયા અને કિશોરભાઈ લુહાર તરફથી નિ:શુલ્ક મળેલ વિવિધ પ્રકારની વનસ્પતિના કુલ ૨૦૦ કિલો બીજને જંગલ પરિભ્રમણ દરમિયાન છંટકાવ કરવામાં આવ્યો હતો. દરેક પ્રકૃતિપ્રેમીને વિવિધ વનસ્પતિના બીજની થેલી આપવામાં આવી હતી અને ચાલતાં-ચાલતાં જ તેને જંગલને અર્પણ કરવામાં આવ્યા હતા.
આયોજકોએ જણાવ્યું કે, “જંગલ પાસેથી આપણે ઘણું બધું મેળવીએ છીએ, પરંતુ આપણે તેને પરત કશું આપતા જ નથી. આ પ્રયોગ દ્વારા અમે જંગલને પાછું આપવાનો પ્રયાસ કર્યો છે.”

આ બીજદાનના પરિણામે ચોમાસાના પાણીથી બીજ ઉગી નીકળશે, જેનાથી તૃણાહારી પશુઓ અને પક્ષીઓને જંગલમાં જ પુષ્કળ ખોરાક મળશે અને તેઓ ખોરાકની શોધમાં શહેરી વિસ્તારો તરફ નહીં આવે. વળી, આનાથી જંગલનો ભેજ જળવાઈ રહેશે અને જમીનનું ધોવાણ પણ અટકશે. આમ, બીજદાન થકી જંગલને વાસ્તવિક “ટેક્ષ” આપવામાં આવ્યો છે.

પર્યાવરણ ઋષિ તરીકે ઓળખાતા વયોવૃદ્ધ ( 87 વર્ષીય) ઉત્તર ગુજરાતના નવીનભાઈ શાહ (નવીન કાકા) જેઓએ
વનસ્પતિ તથા પર્યાવરણ જતન માટે આયખું પૂર્ણ સમર્પિત કરેલ છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત સેરેનીટી લાઈબ્રેરી અને બોટનિકલ ગાર્ડન અમદાવાદના વનસ્પતિશાસ્ત્ર અને ઔષધીય જ્ઞાનના વિશેષજ્ઞ ( Taxonomist)  ડો સંતોષ યાદવ દ્વારા જંગલમાં ઉગતી અનેક વનસ્પતિ, ઔષધીઓ તથા લુપ્તપ્રાય દુર્લભ પ્રજાતિઓ વિશે વિગતવાર અને સચોટ માહિતી આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે માઉન્ટ આબુના જંગલમા વ્યાપક ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિ છે. આ જંગલમાં 1200 જેટલી વનસ્પતિ છે તેમાંથી 600 /700 જેટલા તો મેડિસિન પ્લાન્ટ છે.ભારત દેશમાં અન્ય વિસ્તારમાં ન થતી અમુક દુર્લભ વનસ્પતિ પણ અહીં છે. તેનું કારણ એ છે કે માઉન્ટ આબુ એ વિશ્વનું સૌથી જુનું માઉન્ટેન છે.

આ સાથે જ વનસ્પતિશાસ્ત્રીઓ, ઔષધીય જ્ઞાન ધરાવતા આયુર્વેદાચાર્યો અને પર્યાવરણ સંરક્ષણના અનુભવી નિષ્ણાતો દ્વારા પ્રકૃતિ,પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કેવી રીતે કરવી? એ વિષય પર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

પ્રકૃતિ શિબિરમાં દસ જેટલા આયુર્વેદિક ડોક્ટર્સ તથા નિવૃત ફોરેસ્ટ ઓફિસર તેમજ અન્ય અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા પરંતુ પ્રકૃતિ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે.તેવા સભ્યો હાજર રહ્યા હતા.

આ શિબિર પ્રકૃતિ સંરક્ષણ અને જાગૃતિની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે. ગૃપના અન્ય આયોજકો શ્રી રસૂલભાઈ ઘાંચી, શ્રી કિન્તુ શાહ, શ્રી પાર્થ પટેલ, શ્રી નારાયણ ઠાકોર, શ્રી મયંક ચૌહાણ અને શ્રી રોહિત ડોબરિયાએ આવી શિબિરોને વધુ વ્યાપક સ્તરે યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જેથી યુવાનો અને સામાન્ય નાગરિકોમાં પર્યાવરણ અને વન સંપદા પ્રત્યે જાગૃતિ વધે અને આપણી આગામી પેઢીને સમૃદ્ધ પ્રકૃતિનો વારસો મળે.

માઉન્ટ આબુ વિસ્તારમાં ફરજ પર રહેલા રાજસ્થાન વન વિભાગના અધિકારી (ACF)શ્રી સુમેશ બાલન ), (DFO)શ્રી શુભમ જૈન ,RFO અને શ્રી અધિકારીગણ સહપરિવાર હાજર રહ્યા.

– મનીષા પ્રધાન સહાયક માહિતી નિયામક ગાંધીનગર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.