રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ૨ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે
અમદાવાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમવારથી ગુજરાતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના આગમનને લઈને રાજ્ય પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે.
પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ૧૩ એપ્રિલે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ રાજકોટ સ્થિત એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં ભાગ લેશે અને વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે. આ પ્રસંગ રાજ્યના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે, કારણ કે, એઈમ્સ જેવી રાષ્ટ્રીય સંસ્થાનો પ્રથમ દીક્ષાંત સમારોહ છે.
બીજા દિવસે ૧૪ એપ્રિલે રાષ્ટ્રપતિ અમદાવાદ ખાતે લોક ભવનમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અહીં તેઓ ‘સામાજિક સમરસતા મહોત્સવ’માં ઉપસ્થિત રહી સમાજમાં એકતા, સમાનતા અને ભાઈચારા જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે અને ત્યાં યોજાનાર પાંચમા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને અભિનંદન આપશે.
રાષ્ટ્રપતિના આ પ્રવાસને રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેમાં શિક્ષણ, આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો જોડાયેલા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તેમના આગમનથી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ કાર્યક્રમોની સફળતા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
