Western Times News

Gujarati News

ગુજરી બજારમાં પાથરણું પાથરતાં આશાબહેનને ઉમેદવાર બનાવ્યા કોંગ્રેસે 

તેમની સાદગીની ચર્ચા ત્યારે વધુ તેજ થઈ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યાના બીજા જ દિવસે તેઓ નિયમિત કામે વળગી ગયા હતા.

અમદાવાદ, અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં અનેક નવા અને આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ રાજકીય પક્ષો સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા સ્ટાર્સને મેદાનમાં ઉતારી રહ્યા છે, ત્યાં બીજી તરફ અમદાવાદના શાહપુર વોર્ડમાં કોંગ્રેસે એક સામાન્ય શ્રમજીવી મહિલાને ટિકિટ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

રવિવારી ગુજરી બજારમાં પાથરણું પાથરીને રોજીરોટી કમાતા આશાબહેન દંતાણીને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આશાબહેન દંતાણી છેલ્લા ૨૦ વર્ષથી સાબરમતી નદીના કિનારે ભરાતી પ્રસિદ્ધ ગુજરી બજારમાં જૂની-નવી વસ્તુઓ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમની સાદગીની ચર્ચા ત્યારે વધુ તેજ થઈ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યાના બીજા જ દિવસે તેઓ કોઈ પણ જાતના દેખાડા વગર પોતાના નિયમિત કામે વળગી ગયા હતા. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે પણ તેઓ બજારમાં પોતાનું પાથરણું પાથરીને વેપાર કરતા જોવા મળ્યા હતા.

આશાબહેને જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જીતીને હું ભલે મોટી નેતા બનું, પણ મારું આ કામ ક્્યારેય નહીં છોડું. આ ગુજરી બજાર જ મારી જીવાદોરી છે અને આ જ મારી અસલ ઓળખ છે. તેમના આ નિશ્ચયે સ્થાનિક મતદારોમાં કુતૂહલ અને સન્માન જગાડ્યું છે.

શાહપુર વોર્ડનું રાજકીય ગણિત જોઈએ તો અહીં અંદાજે ૧૫૦૦૦ જેટલા દેવીપૂજક સમાજના મતદારો છે, જે હાર-જીત નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આશાબહેન તેમના પતિ ગોપાલભાઈ દંતાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને ઘરે-ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે. એક સામાન્ય કામદાર મહિલા જ્યારે કોર્પોરેશનની સીડીઓ ચઢવા તૈયાર થઈ છે, ત્યારે શાહપુરની આ બેઠક પરનો જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.