SIRમાં નામ કપાયા હોય તે બંગાળની ચૂંટણીમાં મત આપી નહીં શકે-સુપ્રીમ કોર્ટ
(એજન્સી)નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં આગામી ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે મતદાર યાદીનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે જેમના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, તેમને હાલ તુરંત મતદાન કરવાની છૂટ આપી શકાય નહીં.
આ અરજીની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે ટિપ્પણી કરી હતી કે, અપીલ ટ્રિબ્યુનલ પર હજારો કેસોનું ભારણ વધારીને ચૂંટણી પ્રક્રિયામાં જોખમ ઊભું કરી શકાય નહીં. જેમના નામ જીંઇ પ્રક્રિયામાં કપાયા છે અને જેમની અપીલ હજુ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, તેમને વચગાળાની રાહત તરીકે મતદાનની છૂટ આપી શકાય નહીં.
સુનાવણી દરમિયાન કોર્ટે એક ‘મધ્યમ માર્ગ’ કાઢવાનો પ્રયાસ કર્યો છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ જણાવ્યું કે જો જ્યુડિશિયલ ઓફિસરો ( ટ્રિબ્યુનલ ) દ્વારા તપાસ બાદ કોઈનું નામ યાદીમાં પાછું ઉમેરવામાં આવશે, તો જ તેઓ મતદાન કરવા પાત્ર ઠરશે. સુપ્રીમ કોર્ટે અરજદારોને ટ્રિબ્યુનલ સમક્ષ જ પોતાની લડત ચાલુ રાખવા સૂચના આપી છે.
ચૂંટણી પંચે કોર્ટમાં દલીલ કરી હતી કે મતદાનના છેલ્લા દિવસોમાં યાદીમાં મોટા ફેરફારો કરવા કાયદાકીય રીતે મુશ્કેલ છે. સાથે જ, સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પંચે તકેદારી રાખવાની ખાતરી આપી છે.
હવે જોવાનું એ રહેશે કે ૨૩ એપ્રિલ પહેલા કેટલા મતદારોના નામ યાદીમાં પાછા ઉમેરાય છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ લોકશાહીની પાયાની કિંમતો પર ભાર મૂક્યો છે. તેમણે ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે જ્યારે બિહારમાં ૨૦૦૨ની યાદીના મતદારો પાસે કોઈ દસ્તાવેજો મંગાયા નહોતા, તો બંગાળમાં પ્રક્રિયા કેમ અલગ રાખવામાં આવી? જસ્ટિસે કહ્યું કે જે દેશમાં વ્યક્તિનો જન્મ થયો હોય ત્યાં સરકાર ચૂંટવામાં ભાગ લેવો એ એક ભાવનાત્મક બાબત છે. તેથી, જેમના નામ કપાયા છે તેમના માટે એક મજબૂત અને નિષ્પક્ષ અપીલ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
જો કે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી, પરંતુ આકરા સવાલો કર્યા હતા. જસ્ટિસ જાયમાલ્યા બાગચીએ મતદાન યાદીમાંથી અનેક મતદારોના નામ દૂર કરવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો કે, ‘જો ઉમેદવારની જીતનું અંતર ૧૦% હોય અને ૧૦% મતદારો મતદાન ના કરે તો કદાચ વાંધો આવે નહીં,
પરંતુ જો જીતનું અંતર માત્ર ૨% હોય અને યાદીમાંથી નામ કપાવાને કારણે પાત્રતા ધરાવતા ૧૫% મતદારો મત ના આપી શકે, તો આ ગંભીર બાબત છે અને આપણે તે અંગે વિચારવું જોઈએ.
આ કેસમાં કોર્ટ કોઈ વ્યક્તિગત અભિપ્રાયનથી આપતી, પરંતુ યોગ્ય કે ખોટી રીતે યાદીમાંથી બહાર રહી ગયેલા જાગૃત મતદારની ચિંતા કરવી મહત્ત્વની છે.’ આ સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે યાદીમાંથી હટાવાયેલા વ્યક્તિઓની અપીલ પર વિચારણા કરવા યોગ્ય માળખું ઊભું કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં જીંઇ (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) એટલે કે સઘન પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં મતદારોના નામ દૂર કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ભારતીય ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) અભિયાન હેઠળ દેશનાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી લગભગ ૫.૨ કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવી દીધા છે.
હટાવવામાં આવેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં ૧૦.૨ ટકા છે. ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર આ અભિયાન મતદાર યાદીને નિયમિત કરવાના ઉદ્દેશથી ચલાવવામા આવ્યું હતું. જેમાં ગેરહાજર, ટ્રાન્સફર, મૃત્યુ, ડબલ રજિસ્ટ્રેશન અને અન્ય અયોગ્ય મતદારોનાં નામ હટાવવામાં આવ્યા છે. જેથી નકલી મતદાનનો અવકાશ સમાપ્ત થઇ જાય.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે એસઆઇઆરનો પ્રથમ તબક્કો બિહારમાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તમિલનાડુ જેવા ૧૧ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઇઆર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
